India

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

By GS TEAM
1 Sep 20252 mins read
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

ઇડીએ ઓડિશાના ઉદ્યોગપતિ સામે કાર્યવાહી કરી

ઇડીએ અનમોલ માઇન્સ પ્રા. લિ. અને અનમોલ રિસોર્સિસ પ્રા. લિ. તથા તેના એમડીના પરિસરોમાં દરોડા પાડયા હતા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ૧૩૯૬ કરોડ રૂપિયાની  છેતરપિંડીથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઓડિશના એક ઉદ્યોગપતિ અને તેમની કંપનીઓ વિરુદ્ધ દરોડા પાડયા પછી એક પોર્શ, એક મર્સિડિઝ, એક મિની કૂપર અને એક બીએમડબ્લ્યુ સહિત ૧૦ વધુ વૈભવી વાહનો જપ્ત કર્યા હતાં. 

અનમોલ માઇન્સ પ્રાઇવેટ લિમિટેડ (એએમપીએલ) અને અનમોલ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ (એઆરપીએલ) અને તેના મેનેજિંગ ડાયરેક્ટર (એમડી) શક્તિ રંજન દાસના ભુવનેશ્વર સ્થિત પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.

હિમાચલ પ્રદેશમાં સ્થિત ઇન્ડિયન ટેકનોમેક કંપની લિમિટેડ (આઇટીસીઓએલ)  વિરુદ્ધ દાખલ બેંક લોન છેતરપિંડી કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

મની લોન્ડરિંગનો આ કેસ આઇટીસીઓએલ અને તેના પ્રમોટરો વિરુદ્ધ હિમાચલ પ્રદેશ પોલીસ સીઆઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરથી સંબધિત છે.  જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપનીના ડાયરેક્ટરોએ વિભિન્ન કંપનીઓના કર્મચારીઓ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ્સની સાથે મળી બેંકોના એક જૂથ સાથે લોનની હેરાફેરી કરી હતી.

ઇડીના જણાવ્યા અનુસાર આઇટીસીઓએલ અને તેની સંબધિત નકલી કંપનીએ  એએમપીએલના બેંક ખાતાઓમાં ૫૯.૮૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતાં. આરોપ મૂકવામાં આવ્યો છે કે દાશે ઓડિશામાં માઇનિંગ પ્રવૃત્તિઓ માટે આ નાણાંનો ઉપયોગ કરવામાં જાણી જોઇને આઇટીસીઓએલના પ્રમોટર રાકેશકુમાર શર્માની મદદ લીધી હતી.

ઇડીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન દાશ અને તેમની માલિકીની કંપનીઓથી સંબધિત ૧૦ વૈભવી વાહનો અને ત્રણ સુપર બાઇક જપ્ત કરી હતી.