India-Bangladesh Relations : બાંગ્લાદેશમાં ભારત વિરોધી નિવેદનબાજી અને વધતા તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ઢાકા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન જયશંકરે ખાલિદા ઝિયાના પુત્ર અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન સાથે મુલાકાત કરી હતી. કૂટનીતિક દ્રષ્ટિએ આ મુલાકાતને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
પીએમ મોદીનો શોક પત્ર સોંપ્યો
એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શોક પત્ર તારિક રહેમાનને સોંપ્યો છે. ભારતીય વિદેશ મંત્રીએ ભારત સરકાર અને જનતા વતી ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખાલિદા ઝિયાના મૂલ્યો અને દ્રષ્ટિકોણ બંને દેશો વચ્ચેની ભાગીદારીના વિકાસમાં માર્ગદર્શક બનશે. ઉલ્લેખનીય છે કે 12 ફેબ્રુઆરીએ યોજાનારી સંસદીય ચૂંટણીમાં તારિક રહેમાન વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર છે.
આ પણ વાંચો : નવા વર્ષના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા
મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવી : બાંગ્લાદેશ
બાંગ્લાદેશના વિદેશ મામલાઓના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને જણાવ્યું કે, ‘ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર (S.Jaishankar)ની આ મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો કે રાજકારણની દ્રષ્ટિથી જોવી જોઈએ નહીં. આ એક શિષ્ટાચારની મુલાકાત હતી અને દક્ષિણ એશિયાના અન્ય દેશોના પ્રતિનિધિઓ પણ શોક વ્યક્ત કરવા આવ્યા હતા.’ જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે જયશંકરનું આવવું એ એક સારો સંકેત છે.
જયશંકરે પાકિસ્તાની સ્પીકર સાથે પણ મુલાકાત કરી
અંતિમ સંસ્કાર દરમિયાન જયશંકરે ત્યાં હાજર અન્ય વિદેશી મહેમાનો સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં પાકિસ્તાનના સ્પીકરનો પણ સમાવેશ થાય છે. બંનેએ પરસ્પર હાથ મિલાવ્યા હતા. જોકે, બાંગ્લાદેશી વિદેશ સલાહકારના જણાવ્યા મુજબ, આ દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા થઈ ન હતી અને કોઈ ખાનગી બેઠક પણ યોજાઈ ન હતી.
આ પણ વાંચો : યુનુસ સરકારને હિન્દુઓના અધિકાર છિનવ્યા, બાંગ્લાદેશમાં ચાર તહેવારોની રજા બંધ કરી


