VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ
Suhas Shetty Murder Case : કર્ણાટકમાં એક હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે સ્થિતી વણસી ગઈ છે. અહીં અનેક બસોમાં પથ્થમારો તો કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ બંધની જાહેરાત કરતાં અહીં મોટાભાગના જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી છે. જિલ્લા વહિવટીતંત્રએ સ્થિતિ પર કાબુ મેળવવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધના આદેશ જાહેર કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં ટોળા દ્વારા કેટલીક બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બંધની જાહેરાત
હિન્દુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા બાદ વીએચપીએ બંધની જાહેરાત કરી હતી. મેંગલુરુ તાલુકાના બાજપે પાસે કિન્નીપડવુમાં ગુરુવારે સાંજે સુહાસ શેટ્ટીની હત્યા કરવામાં આવી હતી. બંધની જાહેરાત બાદ મંગલુરુ શહેરમાં અનેક દુકાનો બંધ રહી છે. કેટલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે જાતે જ દુકાનોને દુકાનો બંધ રાખવાનો આગ્રહ કર્યો છે.
અનેક બસો પર પથ્થમારો
ટોળાએ પંપવેલ અને કંકનાડી વિસ્તારોમાં બસો પર પથ્થમારો થયા બાદ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (KSRTC) અનેક વિસ્તારોમાં બસ સેવા બંધ કરી દીધી છે. જે બસો પર પથ્થમારો થયો છે, તે બસો બેલથાંગડી, પુત્તૂર, સુલિયા અને બંટવાલ તરફથી આવી રહી હતી. અધિકારીઓએ કહ્યું કે, મુલ્કી અને નંથરૂ પાસે પણ કેટલીક પ્રાઈવેટ બસો પર પથ્થમારો કરાયો છે. KSRTCના એક અધિકારી રાજેશ શેટ્ટીએ કહ્યું કે, શુક્રવારો સવારે મેંગલુરુ શહેર જતા ચાર વાહનો પર પથ્થમારો થયો છે.
હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : સિદ્ધારમૈયા
કર્ણાટક સરકારે હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, વહેલામાં વહેલી તકે હત્યારાઓની ધરપકડ કરીશું. આ મામલે પોલીસને તમામ મદદ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે, આ ઘટનાને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે.