સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલ સરકારની વધુ એક જીત, કોર્ટે હસ્તક્ષેપથી કર્યો ઈન્કાર, જાણો શું છે મામલો
Image Source: Twitter
- દિલ્હી સરકાર છેલ્લા ત્રણ વર્ષથી તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ લગાવી રહી છે
નવી દિલ્હી, તા. 13 સપ્ટેમ્બર 2023, બુધવાર
સુપ્રીમ કોર્ટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા ફોડવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે. તાજેતરમાં જ કેજરીવાલ સરકારે એલાન કર્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાનું વેચાણ, સંગ્રહ, નિર્માણ અને તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારના આ નિર્ણયમાં હસ્તક્ષેપથી ઈનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયને કેજરીવાલ સરકારની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, લોકોનું સ્વાસ્થ્ય જરૂરી છે. જો સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તો તેનો અર્થ પૂર્ણ પ્રતિબંધ.
વધુ વાંચો: કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય: દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
કેજરીવાલ કેબિનેટમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે થોડા દિવસ પહેલા જ એ એલાન કર્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાનું વેચાણ, સંગ્રહ, નિર્માણ અને તેને ફોડવા પર પ્રતિબંધ રહેશે. દિલ્હી સરકાર છેલ્લા ત્રણ વર્ષથી તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ લગાવી રહી છે. દિલ્હી સરકારના મંત્રીએ તર્ક આપ્યો હતો કે, છેલ્લા પાંચ-છ વર્ષોમાં દિલ્હી વાયુ ગુણવત્તામાં ઘણો સુધારો નોંધાયો છે પરંતુ હજુ તેમાં વધુ સુધારો કરવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને ફટાકડા પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.