Get The App

પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ 1 - image

- કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય તાત્કાલિક ધોરણે અમલમાં

- યુરોપીયન દેશો સિવાય અમેરિકા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં 2007થી સંપૂર્ણ પ્રતિબંધ

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાણીતી પેઇનકિલર દવા નિમેસુલાઇડ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ ૧૦૦ એમજીથી વધુ પાવરવાળી નિમેસુલાઇડ દવા પર લગાવવામાં આવ્યો છે. સરકારે આરોગ્યલક્ષી જોખમોનો હવાલો આપતા આ નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે સલાહમંત્રણા કર્યા પછી આ નિર્ણય લીધો છે.

ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ ૧૯૪૦ની જોગવાઈ ૨૬એ હેઠળ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ૧૦૦ એમજીથી વધુ પ્રમાણમાં નિમેસુલાઇડનું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. પીડાથી છૂટકારો મેળવવા માટે બજારમાં ઘણા સલામત વિકલ્પ હાજર છે. નિમેસુલાઇડ એક નોન સ્ટેરોઇડનલ દવા છે. ૨૦૧૧માં આરોગ્ય મંત્રાલયે ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે નિમેસુલાઇડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

યુરોપના કેટલાય દેશોમાં નિમેસુલાઇડની દવા પર જ સંપૂર્ણ પ્રતિબંધ છે. ફિનલેન્ડ, સ્પેન, આયરલેન્ડ અને બેલ્જિયમ જેવા યુરોપીયન દેશોએ ૨૦૦૭માં જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત કેનેડા, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકેએ પણ નિમેસુલાઇડના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

આ દવા તેની સેફટી પ્રોફાઇલને લઈને લાંબા સમયથી રેગ્યુલેટરી અને મેડિકલ સ્ક્રુટિનીનો વિષય રહી છે. તેમા પણ આ દવા ખાસ કરીને લિવરને વિપરીત અસર કરતી હોવાનું પુરવાર થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)એ પણ તેના મોડેલ લિસ્ટ ઓફ એસેન્સિયલ્સમાં તેનો સમાવેશ કર્યો નથી. કેટલાય દેશોની રેગ્યુલેટરી ઓથોરિટીએ આ દવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મેડિકલ એક્સ્પર્ટ્સે જણાવ્યું હતું કે તેના બદલે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી પેરાસીટામોલ અને ઇબુપ્રોફેનનો ઉપયોગ કરી શકાય. તેના જેટલા ડોઝની ભલામણ કરવામાં આવી હોય તો લઈ શકાય. તેનો સેફટી રેકોર્ડ પણ સારો છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) આઇસીએમઆરના પુરાવા પણ સૂચવે છે. સરકારના નવા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. તે આખા દેશમાં એકસરખા ધોરણે લાગુ પડશે.