સરકારી ઓફિસો સહિત 100 વાહનને આગચંપી, ભડકે બળતા છત્તીસગઢમાં સતનામી સમાજ લાલઘૂમ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
સરકારી ઓફિસો સહિત 100 વાહનને આગચંપી, ભડકે બળતા છત્તીસગઢમાં સતનામી સમાજ લાલઘૂમ 1 - image


Baloda Bazar Violence: છત્તીસગઢના બલોદા બજારના દશેરા ગ્રાઉન્ડમાં સોમવારે એક ધાર્મિક સ્થળને નુકસાન થવાના વિરોધમાં સતનામી સમુદાયનું આંદોલન હિંસક બન્યું હતું.  રાજ્યભરમાંથી 7-8 હજાર વિરોધીઓ એકઠા થયા હતા. 

તેઓએ પહેલા જિલ્લા કલેક્ટર અને એસપી ઓફિસ પર પથ્થરમારો કર્યો જેમાં ઘણાં પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એટલું જ નહીં રોષે ભરાયેલા લોકોએ 100થી વધુ વાહનો સળગાવી નાખ્યા હતા. હિંસાને જોતા બજારની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી અને પોલીસે કલમ 144 લગાવીને ભીડને નિયંત્રિત કરી હતી.  

શું છે સમગ્ર વિવાદનું મૂળ?

15મેની રાતે પહેલા કેટલાક અજાણ્યા લોકોએ બાલોદાબજાર જિલ્લાના ગીરોદપુરી ધામમાં પવિત્ર અમર ગુફામાં સ્થિત સતનામી સમુદાય દ્વારા પૂજાતા 'જૈતખંભ'માં તોડફોડ કરી હતી. જેમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. 

આ મામલે સતનામી સમુદાય સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. સતનામી સમુદાયની સ્થાપના છત્તીસગઢના પ્રખ્યાત સંત બાબા ઘાસીદાસે કરી હતી. તેમજ રાજ્યના મોટાભાગના અનુસૂચિત જાતિના લોકો આ સમુદાય સાથે જોડાયેલા છે. 

આ ઘટનાના વિરોધમાં સતનામી સમાજે સોમવારે દશેરા મેદાન ખાતે વિરોધ પ્રદર્શન અને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ઘણી જગ્યાએ બેરિકેડ લગાવ્યા હતા. 

આ બાબતે બલોદાબજારના પોલીસ અધિક્ષક સદાનંદ કુમારે જણાવ્યું હતું કે, સતનામી સમુદાયે વિરોધ પ્રદર્શન શરુ થતા પહેલા વહીવટીતંત્રને પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે તેવું જણાવ્યું હતું, પરંતુ આ વિરોધ હિંસક બન્યો હતો.  

પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ અને અધિકારીઓ પર કર્યો પથ્થરમારો

અધિકારીએ કહ્યું કે લગભગ 6-7 હજાર પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં અધિકારીઓ સહિત ઘણાં પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમજ પ્રદર્શનકારીઓ જિલ્લા મેજિસ્ટ્રેટના પરિસરમાં ઘૂસી ગયા અને તોડફોડ કરવાનું શરૂ કર્યું. 

તેઓએ અનેક કાર, મોટરસાયકલ અને પોલીસ અધિક્ષકની ઓફિસની ઇમારતને આગ લગાડી અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ પર પથ્થરમારો કરીને બારીઓના કાચ તોડી નાખ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેમજ પરિસ્થિતિ પણ કાબૂમાં છે. 

સંડોવાયેલા લોકો સામે કરવામાં આવશે કડક કાર્યવાહી

આ ઘટનાની વીડિયો ફૂટેજ પોલીસ પાસે છે. આથી આમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હિંસાની થયેલા નુકસાનનું પણ આકલન કરવામાં આવશે. વીડિયો ફૂટેજ પ્રમાણે લગભગ 50 ટુ-વ્હીલર, બે ડઝનથી વધુ કાર અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં સ્થિત પોલીસ અધિક્ષકની ઓફિસની ઇમારતમાં આગ લાગી છે. આ ઉપરાંત ફાયર એન્જિનને પણ અંગ ચાંપી દીધી હતી. 

મુખ્યમંત્રી સાઈએ કહ્યું આ ઘટના આરોપી સામે કડક પગલાંં લેવાશે

મુખ્યમંત્રી સાઈએ 'X' પર પોસ્ટ કરીને આરોપી સામે કડક પગલાં લેવાની વાત કરી હતી, તેમજ સૌને સામાજિક સમરસતા જાળવવા અનુરોધ કર્યો છે.

કલમ 144 16 જૂન સુધી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બલોદાબજાર વિસ્તારમાં કલમ 144 લાગુ થવાથી આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ બલોદા બજાર બોર્ડર વિસ્તારમાં રેલી અને સરઘસ પર પ્રતિબંધ રહેશે. શહેરમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના જૂથના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે આ આદેશ આજે રાત્રે 9 વાગ્યાથી આ મહિનાની 16મી તારીખની મધ્યરાત્રિ સુધી 12 વાગ્યા સુધી રહેશે. 

સરકારી ઓફિસો સહિત 100 વાહનને આગચંપી, ભડકે બળતા છત્તીસગઢમાં સતનામી સમાજ લાલઘૂમ 2 - image


Google NewsGoogle News