Get The App

વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્ર, PAKનું F-16 ફાઈટર પ્લેન ઉડાવી દેવા બદલ સન્માન

Updated: Nov 22nd, 2021

GS TEAM

Google News
Google News
વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્ર, PAKનું F-16 ફાઈટર પ્લેન ઉડાવી દેવા બદલ સન્માન 1 - image


- અભિનંદને Mig-21 વડે F-16ને તોડી પાડ્યું આ કારણે સમગ્ર વિશ્વમાં તેમની ભારે પ્રશંસા થઈ હતી

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર, 2021, સોમવાર

ભારતીય સેનાના નાયકોને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીરતા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વીરોને મરણોપરાંત સન્માન પણ મળ્યું. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત અલંકરણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ સહભાગી બન્યા હતા. ભારતીય વાયુસેના માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની રહ્યો. 

27 ફેબ્રુઆરી, 2019ના રોજ એક પાકિસ્તાની F-16 ફાઈટર વિમાનને હવાઈ યુદ્ધમાં તોડી પાડનારા ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા પરંતુ હવે તેમને પ્રમોટ કરીને ગ્રુપ કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે. 

14 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા ખાતે CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રિના સમયે પાકિસ્તાનના બાલાકોટ ખાતે એરસ્ટ્રાઈક કરી હતી. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300 કરતા વધારે આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

એરસ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તે સમયે Mig-21 ઉડાવી રહ્યા હતા જેની મદદથી તેમણે પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું. 

જોકે બાદમાં અભિનંદનનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થઈ ગયું હતું અને પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવી લીધા હતા. ભારતના દબાણને વશ થઈને પાકિસ્તાને આશરે 60 કલાક બાદ અભિનંદનને મુક્ત કર્યા હતા. અભિનંદને Mig-21 વડે F-16ને તોડી પાડ્યું આ કારણે સમગ્ર વિશ્વમાં તેમની ભારે પ્રશંસા થઈ હતી. એનું કારણ એ છે કે, F-16 ખૂબ જ એડવાન્સ્ડ ફાઈટર પ્લેન હતું જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે Mig-21 રશિયા દ્વારા બનાવાયેલું 60 વર્ષ જૂનું વિમાન હતું. ભારતે 1970ના દશકામાં રશિયા પાસેથી Mig-21 ખરીદ્યું હતું. 


Tags :