માત્ર 55 દિવસ બહાર રહ્યા બાદ આઝમ ખાન ફરી જેલભેગા! પાનકાર્ડ મામલે પિતા-પુત્રને 7-7 વર્ષની સજા

Azam Khan News: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાનને જામીન પર બહાર આવ્યાના માત્ર 8 અઠવાડિયાની અંદર જ ફરી જેલમાં જવું પડ્યું છે. આઝમ ખાન ફક્ત 55 દિવસ માટે જ જેલની બહાર રહી શક્યા અને તેમની સાથે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ પણ જેલ ગયા છે. સોમવારે બપોરે અદાલતે તેમને અને તેમના પુત્ર (પૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ)ને બે પાન કાર્ડ રાખવાના કેસમાં દોષિત ઠેરવ્યા. કોર્ટે બંનેને 7 વર્ષની કેદની સજા અને 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે, જેના પગલે બંનેને રામપુર જેલમાં લાવવામાં આવ્યા છે.
શું છે મામલો?
આ કેસની શરુઆત 2019માં થઈ હતી, જ્યારે રામપુરના બીજેપી ધારાસભ્ય આકાશ સક્સેનાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અબ્દુલ્લાએ પોતાની ઉંમર અને ઓળખના દસ્તાવેજોમાં ફેરફાર કર્યો છે. તપાસ આગળ વધતા આઝમ ખાનની સંડોવણી પણ સામે આવી, જેના પગલે બંને પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી. આખરે, MP-MLA મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે બપોરે પોતાનો નિર્ણય સંભળાવતાં જણાવ્યું કે બંને આરોપીઓ સામેના આરોપો સાબિત થયા છે. કોર્ટે બંનેને સાત વર્ષની કેદ અને 50 હજાર રૂપિયાના દંડની સજા આપી અને હાલમાં બંનેને જેલમાં મોકલી દેવાયા છે.
55 દિવસમાં ફરી જેલ
સપા નેતા આઝમ ખાનને 23 મહિના જેલમાં વિતાવ્યા બાદ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમના જેલમાંથી બહાર આવ્યા પછી તરત જ, તેમને મળવા આવતા લોકોનો તેમના નિવાસસ્થાને સતત ધસારો જોવા મળી રહ્યો હતો. જો કે, તેમની મુક્તિને હજી બે મહિના પણ પૂરા નહોતા થયા ત્યાં જ આ મોટો નિર્ણય સામે આવ્યો છે.
આઝમ ખાન સામેના 12 કેસ, 7 કેસમાં દોષિત ઠર્યા
વર્ષ 2019માં આઝમ ખાન વિરુદ્ધ ધડાધડ 84 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી અત્યાર સુધીમાં 12 કેસ પર કોર્ટનો નિર્ણય આવી ચૂક્યો છે. પાન કાર્ડ કેસમાં દોષિત ઠર્યા પછી આઝમ ખાનને અત્યાર સુધીમાં 7 કેસમાં સજા મળી ચૂકી છે, જ્યારે 5 કેસમાં તેઓ નિર્દોષ જાહેર થયા છે. આ 12 કેસમાંથી એક કેસ મુરાદાબાદનો હતો, જેમાં MP-MLA સ્પેશિયલ કોર્ટે 13 ફેબ્રુઆરી, 2023ના રોજ હાઇવે જામ કરવાના ગુના બદલ આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમને બે-બે વર્ષની સજા ફટકારી હતી. નોંધનીય છે કે, આ જ કેસને કારણે અબ્દુલ્લાની ધારાસભ્ય પદની સદસ્યતા રદ થઈ ગઈ હતી.

