રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધી કેટલો ખર્ચ થયો, હજુ કેટલા મંદિર બનશે?, ટ્રસ્ટે આપી માહિતી
મંદિરના બીજા માળે રામ-સીતા, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, હનુમાનજીના કરી શકાશે દર્શન
Ayodhya Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં ગઈકાલે ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ આજથી શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું છે. રામલલાના દર્શન કરવા ભક્તો પણ બહોળા પ્રમાણમાં આવી રહ્યા છે. જોકે નવા રામ મંદિરમાં હજુ ઘણા કામ બાકી છે. અહેવાલો મુજબ બીજા માળે હજુ પણ કામ બાકી છે. શિખર અને મૂર્તિઓનું પણ ફિનિશિંગ અને પોલિશિંગનું આંશિક કામ બાકી છે. બીજા માળે રામ પરિવારના સ્થાપના થવાની બાકી છે. બીજા માળે રામ-સીતા બિરાજમાન થશે, તેમની સાથે ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને હનુમાનજીની પણ મૂર્તિની સ્થાપના કરાશે.
રામ મંદિર પરિસરમાં કુલ 13 મંદિરની સ્થાપના કરાશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે (Swami Govind Dev Giri) મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘નવા રામ મંદિર પરિસરમાં કુલ 13 મંદિરની સ્થાપના કરાશે, જેમાં 5 મુખ્ય દેવતાઓ (ગણપતિ, સૂર્ય, શિવ, વિષ્ણુ અને દેવી)ના મંદિર સામેલ છે. નવા રામ મંદિર પરિસરમાં 6 મંદિર બનશે અને પરિસરની બહાર 7 મંદિર બનાવાશે. હનુમાજીનું અલગથી મંદિર બનાવાશે. જ્યાં સીતા રસોઈ છે, ત્યાં અન્નપૂર્ણા માતાની સ્થાપના કરાશે. ભક્તોને ત્યાંથી જ મંદિરનો પ્રસાદ મળશે.
ટ્રસ્ટ પાસે રૂ.3000 કરોડ
તેમણે કહ્યું છે કે, ‘રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જ્યારે કુલ 1400 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. અમારી પાસે હાલ લગભગ 3000 કરોડ રૂપિયા પડ્યા છે.’
‘હજુ સુધી વિદેશથી દાન મળ્યું નથી’
તેમણે કહ્યું છે કે, ‘દેશભરમાંથી દાન મળી રહ્યું છે, જોકે હજુ સુધી વિદેશમાંથી કોઈપણ દાન પ્રાપ્ત થયું નથી. FCRAની સુવિધા ન હોવાના કારણે વિદેશથી દાન લઈ શકાયું નથી. આગામી 2-3 મહિનામાં વિદેશમાંથી પણ દાન મળવા લાગશે.’
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ મોટી રામની પ્રતિમા બનાવાશે
અયોધ્યાના રામ મંદિરના અન્ય અહેવાલોની વાત કરીએ તો ગર્ભગૃહમાં સ્થાપવામાં આવેલી રામલલાની 51 ઈંચની મૂર્તિ શિલ્પકાર અરૂણ યોગીરાજે શાલીગ્રામ પથ્થરથી બનાવી છે. પરિસરમાં જટાયુની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવાઈ છે અને તેને કુબેર ટીલા નામ અપાયું છે. જાણીતા શિલ્પકાર 98 વર્ષીય રામ સુથારે આ પ્રતિમાને બનાવી છે. ઉપરાંત આગામી સમયમાં દેશને ભગવાન રામની 251 મીટર ઊંચી પ્રતિમાના પણ દર્શન કરવાની તક મળશે. મળતા અહેવાલો મુજબ શ્રીરામની 251 મીટર ઊંચી પ્રતિમા તૈયાર થઈ છે અને તે સરયૂ નદીના કિનારે સ્થાપવામાં આવશે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઉંચી છે અને હાલમાં સૌથી ઊંચી પ્રતિમાનો રેકોર્ડ ધરાવે છે. આ પ્રતિમા પણ રામ સુથાર અને તેમના 65 વર્ષીય પુત્ર અનિલ સુથારે તૈયાર કરી હતી.