અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ, પોણા ચાર કલાક રોકાશે PM મોદી
પ્રાણપ્રતિષ્ઠા બાદ સાંજે દિવાળી ઉજવાશે, 60થી વધુ દેશોમાં પણ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ
હેલિકોપ્ટરથી પ્રાણપ્રતિષ્ઠામાં પુષ્પવર્ષા કરાશે : 9700 CCTV સાથે અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત
Ayodhya Ram Mandir Pran Pratishtha Schedule : ઉત્તર પ્રદેશની ધાર્મિક નગર અયોધ્યા સંપૂર્ણ બદલાવાની છે. લગભગ 500 વર્ષ સુધી રાહ જોયા બાદ પ્રભુ શ્રી રામલલાને પોતાનું મંદિર મળવાનું છે. આવતીકાલે હિન્દુ વિધિ-વિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. ત્યાં પૂજા-વિધિ સહિતના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપસ્થિત રહેવાના છે. તેઓ ત્યાં લગભગ પોણા પાંચ કલાક સુધી રોકાવાના છે. તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં લગભગ 50 મિનિટ રહેશે. સેનાના હેલિકોપ્ટરથી પ્રાણપ્રતિષ્ઠામાં પુષ્પવર્ષા કરવાની પણ તૈયારી છે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમ મુજબ તેઓ સોમવારે સવારે 10:20 કલાકે અયોધ્યા એરપોર્ટ પર પહોંચશે.
અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત, 9700 CCTV કેમેરા
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં અભૂતપૂર્વ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા AIથી સજ્જ લગભગ 400 કેમેરા રેડ તેમજ યલ્લો ઝોનમાં લગાવાયા છે. આ સિસ્ટમ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે. આ કેમેરા ફેસ રિકૉગ્નિશન અને ઑટોમેટિક નંબર પ્લેટ રિકૉગ્નિશન સિસ્ટમથી સજ્જ છે. અયોધ્યા જિલ્લામાં લગભગ 9700 CCTV કેમેરા લગાવાયા છે. ડીજીપી હેડક્વાર્ટર દ્વારા 12 હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સુરક્ષામાં તહેનાત કરાયા છે. આ ઉપરાંત જિલ્લાની ફોર્સ, એટીએસ અને એસટીએફ કમાન્ડોની ટીમો, એસપીજી, એનએસજી અને ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ડ્રોન ટીમો તહેનાત રહેશે.
પ્રાણપ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે?
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સવારે 10 વાગ્યાથી 'મંગલ ધ્વનિ'નું ભવ્ય વાદન યોજાશે. વિવિધ રાજ્યોના 50થી વધુ રમ્ય સંગીતનાં સાધનો લગભગ બે કલાક સુધી આ શુભ પ્રસંગના સાક્ષી બનશે.
મહેમાનોનો 10:30 કલાક સુધીમાં પ્રવેશ કરવાનો રહેશે
બીજીતરફ સમારોહમાં સામેલ થનારા મહેમાનોનું આગમન શરૂ થઈ જશે. મહેમાનોએ 10.30 કલાક સુધીમાં રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરવાનો રહેશે. ટ્રસ્ટે કહ્યું કે, તેમના દ્વારા નિર્ધારિત કરાયેલા પ્રવેશ દ્વારમાંથી જ મહેમાનો પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત આમંત્રણ પત્ર ધરાવનારા મહેમાનો જ પ્રવેશ કરી શકશે. પ્રવેશ પત્ર પરના QR કોડની ખરાઈ ચકાસ્યા બાદ જ પરિસરમાં પ્રવેશની મંજૂરી મળશે. સમારોહમાં 8 હજારથી વધુ મહેમાનો સામેલ થશે, જેમાં વડાપ્રધાનથી લઈને સંત, રાજકીય નેતા, અભિનેતા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પ્રાણપ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.20 કલાકે શરૂ થશે
રામલલાના પ્રાણપ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.20 કલાકે શરૂ થશે. પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય પૂજા અભિજીત મુહૂર્તમાં કરાશે. કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત નિર્ધારીત કરાયું છે. આ કાર્યક્રમ પોષ મહિનાની દ્વાદશી તિથિ (22 જાન્યઆરી-2024)ના રોજ અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવમંશમાં યોજાશે.
84 સેકન્ડનું શુભ મુહૂર્ત
શુભ મુહૂર્ત બપોરે 12 કલાક 29 મિનિટ અને 08 સેકન્ડથી 12 કલાક 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે પ્રાણપ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે શ્રીરામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. પૂજા-વિધિ કાશીના જાણીતા વૈદિક આચાર્ય ગણેશ્વર દ્રવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં 121 વૈદિક આચાર્ય સંપન્ન કરાવશે. આ દરમિયાન 150થી વધુ પરંપરાઓના સંતો-ધર્માચાર્યો અને 50થી વધુ આદિવાસી, પર્વતવાસીઓ, દરિયાકાંઠાના રહેવાસીઓ, ટાપુના રહેવાસીઓ, આદિવાસી પરંપરાઓ પણ ઉપસ્થિત રહેશે.
PM મોદી અયોધ્યામાં 4.45 કલાક રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4.45 કલાક સુધી અયોધ્યામાં રોકાવાના છે. તેમનો સત્તાવાર અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. તેઓ સવારે 10:20 કલાકે અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યા બાદ 10:55 કલાકે રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. વડાપ્રધાન અગાઉ અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 30 ડિસેમ્બરે ઉદઘાટન કરવા આવ્યા હતા.
PM મોદીનો અયોધ્યા કાર્યક્રમ
- 10:20 AM : અયોધ્યા એરપોર્ટ પહોંચશે
- 10:45 AM : તેઓ હેલિકોપ્ટરથી સાકેત કૉલેજ પહોંચશે
- 10:55 AM : રામ જન્મભૂમિ મંદિર પહોંચશે
- 12:05 PM : 12:55 કલાક સુધી પ્રાણપ્રતિષ્ઠા પૂજા કાર્યક્રમમાં રહેશે
- 01:00 PM : મહેમાનોને સંબોધન કરશે
- 02:05 PM : કુબેર ટીલા પહોંચી શ્રમિકો અને અન્ય લોકો સાથે વાતચીત કરી શિવ મંદિરમાં પૂજા કરશે
- 02:25 PM : હેલિપેડ જવા રવાના થશે
- 02:40 PM : હેલિપેડથી એરપોર્ટ જવાના રવાના થશે
- 03:05 PM : અયોધ્યા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે
પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ સંબોધન
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, બપોરે પ્રાણપ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ બપોરે 1 વાગે પૂર્ણ થશે. તમામ પૂજા-વિધિ સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત સંબોધન કરશે. જ્યારે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ આશીર્વાદ આપશે.
સાંજે દિવાળી ઉજવાશે
પ્રાણપ્રતિષ્ઠા સમારોહ ઉપરાંત ‘રામ જ્યોતિ’ પ્રગટાવી દિવાળી ઉજવાશે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યાને સાંજે 10 લાખ દિવાથી જગમગાવાશે. આ સાથે જ મકાનો, દુકનો, મુખ્ય કચેરીઓ અને પૌરાણિક સ્થળોએ રામ જ્યોત પ્રગટાવાશે. અયોધ્યા સરયૂ નદી કાંઠે માટીથી બનાવેલ દિવાથી ઝગમગાટ જોવા મળશે. રામલલા, કનક ભવન, હનુમાનગઢી, ગુપ્તારઘાટ, સરયૂ કાંઠો, લતા મંગેશકર ચૌક, મણિરામ દાસ છાવણી સહિત 100 મંદિરો, મુખ્ય ચાર રસ્તાઓ અને જાહેર સ્થળો પર દીપ પ્રગટાવાશે.
વિદેશમાં પણ આયોજન
માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી કરાઈ છે. 22 જાન્યુઆરીએ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં દિવાળી મનાવવામાં આવશે અને વિશ્વના 60થી વધુ દેશોમાં 200થી વધુ સ્થળો પર વિશેષ કાર્યક્રમો યોજાશે. ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે. જ્યારે પેરિસમાં એફિલ ટાવર પાસે શોભાયાત્રા યોજાશે.