India

ભોજન સામે મૂક્યું અને હાથ પગ બાંધી દીધા... અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વર્તન!

By GS TEAM
11 Nov 20252 mins read
ભોજન સામે મૂક્યું અને હાથ પગ બાંધી દીધા... અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વર્તન!

Ayodhya Hospital Patient Viral Video: અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાંથી એક દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. દર્દીને સારવાર આપવાને તેના હાથ-પગ બાંધેલા જોઈને દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. આ ઘટના આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરે છે. વીડિયો વાયરલ થયા બાદ દર્દીને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેનો પરિવાર તેને લખનઉ લઈ જઈ રહ્યો હતો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

માનવતા શર્મસાર

અયોધ્યા જિલ્લા હોસ્પિટલના આ વાઈરલ થયેલા વીડિયોએ સમગ્ર આરોગ્ય તંત્રની પોલ ખોલી દીધી છે. વીડિયોમાં એક દર્દીના હાથ-પગ બાંધેલા છે અને સામે રાખેલું ભોજન તે લાચારીથી જોઈ રહ્યો છે. કારણ કે તે ભોજન કઈ રીતે કરે તેના હાથ-પગ તો બાંધી દીધા હતા. આ દ્રશ્ય કોઈ જેલનું નથી પરંતુ હોસ્પિટલના 'ન વપરાતા વોર્ડ'નું છે, જેને પહેલાથી જ બંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલ વહીવટીતંત્રએ દાવો કર્યો હતો કે, દર્દી માનસિક રીતે અસ્થિર હતો અને 'આલ્કોહોલિક સાયકો' હતો. જોકે, આ અમાનવીય વર્તનથી સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા થયા છે.

વીડિયો વાઈરલ થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં

વીડિયો વાઈરલ થતાં જ વહીવટીતંત્ર તરત જ એક્શનમાં આવ્યું અને તાત્કાલિક 8 નવેમ્બરના રોજ સવારે દર્દીને દર્શન નગર મેડિકલ કોલેજમાં રિફર કર્યો. ઈમરજન્સી ઇન્ચાર્જ ડૉ. વિનોદ કુમાર આર્યએ જણાવ્યું કે, દર્દીને બેભાન હાલતમાં લાવવામાં આવ્યો હતો અને તે પાગલ નહોતો, પરંતુ લાંબા સમયથી ક્રોનિક 'આલ્કોહોલિક હોવાની સાથે-સાથે ડાયાબિટીસથી પણ પીડાતો હતો. દર્દીના ભત્રીજા રાહુલે પણ પુષ્ટિ કરી કે તેના મારા પાગલ નહોતા, પરંતુ ડાયાબિટીસથી પીડાતા હતા. તેણે જણાવ્યું કે, ડિસ્ચાર્જ પછી લખનઉ લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. 

આ જવાબદારી કોણ લેશે?

અયોધ્યાની જિલ્લા હોસ્પિટલના સીએમએસ રાજેશ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે દર્દીને કોઈએ ગેટ પર છોડી દીધો હતો. તે 5 નવેમ્બરના રોજ દાખલ થયો હતો. જોકે, દર્દીના પરિવાર અને મેડિકલ કોલેજના ડૉક્ટરના નિવેદનોથી જિલ્લા હોસ્પિટલના દાવામાં વિરોધાભાસ નજર આવે છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટઃ ફરીદાબાદના શંકાસ્પદ વિસ્તારોમાં 1000 જવાનનું મેગા સર્ચ, મૃત્યુઆંક 12

વિપક્ષે પણ આ મામલે સરકાર અને સિસ્ટમ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટના પર દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.