વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા
- આતંરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવને આધારે લેવાયેલો નિર્ણય
- એપ્રિલથી અત્યાર સુધીમાં 19.2 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કુલ રૂ. 171.50નો ઘટાડો
નવી દિલ્હી : વિમાનમાં ઇંધણ તરીકે વપરાતા એવિએશન ટર્બવ ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યા છે જ્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૩.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવમાં આ ફેરફાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
એક કીલોલીટર જેટ ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૨૬૭૭.૮૮ રૂપિયા અથવા ૨.૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક કીલોલીટર એટીએફનો ભાવ વધીને ૯૨,૦૨૧.૯૩ રૂપિયા થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને એટીએફના ભાવમાં ૭.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે એપ્રિલથી જૂન સુધી એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે તંગદિલી અને વેપાર યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ફેરફારને આધારે એટીએફના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. એટીએફના ભાવ વધવાને કારણે એરલાઇન્સ પર આર્થિક બોજ વધશે.
૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ૩૩.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૯ કીલોના એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૬૩૧.૫૦ રૂપિયા થઇ ગયો છે.
સળંગ પાંચમાં મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧ જુલાઇએ ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૮.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
૧૯ કીલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં એક જૂને ૨૪ રૂપિયા, એક મેના રોજ ૧૪.૫૦ રૂપિયા, એક એપ્રિલના રોજ ૪૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતોે. એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ ૧૭૧.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
જો કે ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૫૩ રૂપિયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૪.૭૨ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૭.૬૨ રૂપિયા છે.