ભારતના ઓટોમોબાઇલ એક્સપોર્ટમાં તોફાની ઉછાળો: કારથી લઈને બાઈક સુધી બધે વૃદ્ધિ

Automobile Exports Increase: ઇન્ડિયન ઓટોમોબાઇલ કંપનીના એક્સપોર્ટમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના રિપોર્ટ અનુસાર આ વધારો ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના ક્વાર્ટરની સરખામણીએ આ વર્ષમાં જોવા મળ્યો છે. આ એક્સપોર્ટમાં વધારો ખાસ કરીને પેસેન્જર વાહન એટલે કે ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરમાં જોવા મળ્યો છે. પેસેન્જર વ્હીકલમાં ગયા વર્ષની સરખામણીએ 23 ટકા વધારો થયો છે.
પેસેન્જર વ્હીકલના એક્સપોર્ટમાં વધારો
પેસેન્જર કાર એક્સપોર્ટમાં 20.5 ટકાનો વધારો થતાં બીજા ક્વાર્ટરમાં 1,25,513 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષનો આંકડો 1,04,196 યુનિટ છે. આથી એમાં વધારો થયો છે. યુટિલિટી વ્હીકલમાં પણ 26 ટકાનો ઉછાળો આવ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે અંદાજે 1,13,374 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. વેન એક્સપોર્ટમાં 39 ટકાનો વધારો થયો છે અને એ સૌથી વધુ છે.
સૌથી વધુ કાર મારુતિ સુઝુકીની થઈ એક્સપોર્ટ
મારુતિ સુઝુકી દ્વારા સૌથી વધુ કાર્સને એક્સપોર્ટ કરવામાં આવી છે. તેમણે 2,05,763 કાર્સને એક્સપોર્ટ કરી છે. ત્યાર બાદ હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા દ્વારા 99,540 યુનિટ સાથે બીજા ક્રમે છે. આ કંપનીઓ દુનિયાભરમાં ભારતનો દબદબો બનાવી રહી છે અને ભારતના ઓટોમોબાઇલ એક્સપોર્ટ માર્કેટનો વિકાસ પણ કરી રહી છે.
2 વ્હીલરના એક્સપોર્ટમાં 25 ટકાનો વધારો
જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે 2 વ્હીલરના એક્સપોર્ટમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે. ત્રણ મહિનામાં 12,95,468 યુનિટને એક્સપોર્ટ કરવામાં આવી છે. ગયા વર્ષે આ સમયે 10,35,997 યુનિટને એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. સ્કૂટર્સમાં 12 ટકાના વધારા સાથે 1,77,957 યુનિટને એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. મોટરસાઇકલમાં 27 ટકાના ઉછાળા સાથે દસ લાખથી વધુ યુનિટને એક્સપોર્ટ કરવામાં આવ્યાં છે.
કમર્શિયલ વ્હીકલમાં પણ ઉછાળો
કમર્શિયલ વ્હીકલમાં 22 ટકાનો જમ્પ આવ્યો છે. સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં 24,011 યુનિટ એક્સપોર્ટ કર્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે થ્રી-વ્હીલરના એક્સપોર્ટમાં 51 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બીજા ક્વાર્ટરમાં દરેક પ્રકારના વ્હીકલના એક્સપોર્ટમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં 13 લાખ યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા જેની સામે આ વર્ષે 16,85,761 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યાં છે.

