ખાંડ વગરની મોળી ચા જેવો ફિક્કો ઓટો એક્સ્પો : મોટી કંપનીઓની ગેરહાજરી
અમેરિકા અને યુરોપમાં દેખા દેતો વિશ્વ સ્તરની મંદીનો ઓછાયો હવે ભારતમાં પણ દેખાયો છે. ભારતીય શેરબજાર તો નીચે જઈ જ રહ્યુ છે, ઓટો એક્સ્પો ૨૦૨૩ પર પણ મંદીનો ઓછાયો દેખાયો હતો. સામાન્ય રીતે ઓટો એક્સ્પો શરૂ થાય ત્યારે જબરજસ્ત ચકાચૌંધ અને ભવ્ય તૈયારીઓ જોવા મળતી હોય છે. આ વખતે વિદેશની ટોચની અગ્રણી બ્રાન્ડ્સે ભાગ જ લીધો ન હતો, તેના લીધે ઓટો એક્સ્પો ફિક્કો લાગતો હતો. ફક્ત સ્થાનિક બ્રાન્ડ્સના જોર પર જ હવે આ ઓટો એક્સ્પો પાર પાડવાનો છે. શાહરૂખખાન હ્યુન્ડાઇની ગાડીને લોન્ચ કરતા તેની આગવી અદામાં જોવા મળ્યો હતો. જ્યારે ટોયોટાએ નવી એસયુવી રજૂ કરી હતી. જ્યારે લેક્સસે તેનુ નવું જ મોડેલ લોન્ચ કર્યુ હતું. મારુતિ સુઝુકીએ તેની કન્સેપ્ટ કાર ઇવીએક્સ લોન્ચ કરી હતી, જે એક જ ચાર્જિંગમાં ૫૫૦ કિ.મી. ચાલશે. બીજા શબ્દોમાં કહીએ તે એક જ ચાર્જિંગમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે. આ ઉપરાંત લેક્સસની આરએક્સ૫૦૦એ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતની પહેલી સ્પોર્ટ્સ ઇ-એસયુવી તરીકે બીવાયડી એટ્ટો-૩ લોન્ચ કરવામાં આવી હતી. સુઝુકીએ તેનું નવું પાવરફુલ બાઇક ઇમેજિનિક્સ લોન્ચ કર્યુ હતુ. આ ઉપરાંત તેમા રેસિંગ બાઇક અને પાવરફુલ બાઇકની આખી સિરીઝ હતી. આ સિવાય એમજી મોટર્સે તેની હાઇડ્રોજન સેલ કાર યુનિક-૭ લોન્ચ કરી હતી.
મોંઘવારીની અસર ઓટો એક્સ્પોમાં પણ જોવા મળી
દિગ્ગજ કંપનીઓ ઓટો એક્સ્પોમાં ગેરહાજર રહી
- બીએમ ડબ્લ્યુ, ઔડી, મર્સીડિઝ કે મહિન્દ્રા કાર શોમાં જોવા મળી નહી
વિશ્વમાં ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે ૪૨૫ લાખ વાહનોના વેચાણ સાથે ત્રીજી સૌથી મોટી બજાર એવા ભારતના સૌથી નામાંકિત ઓટો એક્સ્પોનું નવી દિલ્હી ખાતે આયોજન થયું છે. કોરોના કાળના કારણે ત્રણ વર્ષ પછી યોજાયેલા આ વાહનોના મેળામાં કંપનીઓ નવી ગાડીઓનું લોન્ચિંગ અથવા તો જે વાહનો ઉપર પોતે કામ કરી રહી છે અને બે ચાર વર્ષમાં લોન્ચ થવાની છે તેવા કોન્સેપ્ટ સાથે વાહનો જનતા સમક્ષ રજૂ કરતી હોય છે. જોકે, મોંઘવારીના કારણે આ વર્ષે દિગ્ગજ કંપનીઓ અને ખાસ કરીને લક્ઝરી ગાડીઓની સૌથી એવી મોટી બ્રાંડ ગેરહાજર જોવા મળી હતી.
સૌથી મોંઘી ગાડીઓ વેચતી બીએમ ડબ્લ્યુ, મર્સીડિઝ બેન્ઝ, જેગુઆર લેન્ડ રોવર કે ઓડી આ વર્ષે એકપણ સ્ટોલ વગર ગેરહાજર રહી હતી. ઓટો ક્ષેત્રના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઓટો એક્સ્પોમાં હાજરી આપવા માટે પાંચ દિવસમાં લગભગ રૂ.૫૦ કરોડ કે તેથી વધારાનું રોકાણ કરવું પડે છે. આ ઉપરાંત, હાજર કર્મચારીઓ, મોડેલ્સ, પબ્લીસિટી જેવો ખર્ચ અલગ. 'ગાડીઓ લોન્ચ કરીએ તો બે ત્રણ દિવસ તેની ચર્ચા થાય છે પણ લોકમાનસ ઉપરથી તે ખસી જાય છે.' એમ એક ઓટો વિશ્લેષકે જણાવ્યું હતું.
ભારતમાં એન્ટ્રી અને મિડ સેગમેન્ટમાં અગ્રણી કહી શકાય એવી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નિસાન, રેનો જેવી કંપનીઓએ પણ કોઇપણ પ્રકારની પ્રોડક્ટનું ડિસ્પ્લે નોઇડા ખાતે યોજાઈ રહેલા આ ઓટો એક્સ્પોમાં કર્યું હતું નહી.
ઉડીને આંખે વળગે એવી વાત એ પણ જોવા મળી હતી કે ટુ વ્હીલર ક્ષેત્રે દેશની સૌથી મોટી કંપનીઓ બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર્સ, હોન્ડા કે સુઝુકી અને રોયલ એન્ફિલ્ડ પણ ઓટો એક્સ્પોમાં ગેરહાજર જોવા મળ્યા હતા.
ઇંધણના વિક્રમી ઊંચા ભાવના કારણે અને અન્ય ચીજોની મોંઘવારીના કારણે ટુ-વ્હીલરનું વેચાણ ભારતમાં સામાન્ય જોવા મળી રહ્યું છે. ભારતમાં પરવડી શકે એવા વાહનોમાં ટુ વ્હીલર પ્રથમ પસંદગી હોવા છતાં કોરોનાની મહામારી બાદ તેના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો નથી.
આ સમયે વેચાણમાં જોવા મળી રહેલી નબળાઈ વચ્ચે એકપણ ટુ વ્હીલર કંપનીઓએ ઓટો એક્સ્પોમાં હાજરી આપી હતી નહી. દશેરા અને દિવાળી જેવા તહેવાર છતાં ઓક્ટોબર મહિનામાં ભારતમાં ટુ વ્હીલર વાહનોનું વેચાણ માત્ર ૧.૩ ટકા વધ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ્ય ભારતમાં ઘટી રહેલી માંગના કારણે વાહનોનું વેચાણ ઘટયું હતું.
SUV સેગમેન્ટમાં બજાર હિસ્સો હસ્તગત કરવા માટે મારુતિ સુઝુકીનો ડબલ ધમાકો
- વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે જીપ્સીનો નવો અવતાર જીમ્મી અને કોમ્પેકટ સેગમેન્ટમાં ફ્રોન્ક્સ લોન્ચ કરી
મારુતિ સુઝુકી દેશની સાથી મોટી પેસેન્જર કાર ઉત્પાદક અને વેચાણ ધરાવતી કંપની હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકોનું માનસ બદલાઈ રહ્યું હોવાથી તેનો બજાર હિસ્સો ઘટી રહ્યો છે. એક સમયે ૫૦ ટકા હિસ્સો ધરાવતી આ કંપની હવે દેશમાં ૪૩ ટકા જેટલા વાહનો જ વેચે છે. ગ્રાહકો કાર ખરીદવાના બદલે સ્પોર્ટ્ યુટીલીટી વ્હીકલ (એસયુવી) ખરીદવા તરફ વળી રહ્યા છે અને મારુતિ પાસે આ સેગમેન્ટમાં બહુ વિકલ્પ નહી હોવાથી ગ્રાહકો અન્ય ઉત્પાદકો તરફ જઇ રહ્યા હતા.
જોકે, નવી દિલ્હીના ઓટો એક્સ્પોમાં બુધવારે ઇલેક્ટ્રિક ગાડીનો કોન્સેપ્ટ રજૂ કર્યા પછી મારુતિ સુઝુકીએ ગુરુવારે ડબલ ધમાકો કર્યો હતો. કંપનીએ એક સાથે બે એસયુવી બજારમાં મૂકી છે. પહેલી ગાડી છે જીમ્મી. જીમ્મીએ એક સમયની બહુ લોકપ્રિય જીપ્સીનો આધુનિક અવતાર છે. સુઝુકી આ ગાડી વિશ્વભરમાં વેચી રહી છે અને તેના ભારતના આગમનની ચાર વર્ષથી રાહ જોવાઈ રહી હતી. બીજી ગાડી છે નાની એસયુવી ફ્રોન્ક્સ. ફ્રોન્ક્સ બે અલગ અલગ એન્જીન ક્ષમતા સાથે બજારમાં આવશે અને તેમાં ઓટોમેટીક અને મેન્યુઅલ ગીયર બોક્સ મળશે અને ઇંધણની બચત માટે હાઈબ્રીડ વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ગાડી હ્યુન્ડાઈની વેન્યુ, ટાટાની પંચ સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. કંપનીએ નવી ગાડી માટે બુકિંગ આજથી જ શરુ કર્યું છે પણ તેની કિંમત આજે જાહેર કરી ન હતી.
જીમ્મીએ સ્પીડ, રોડ અને ઓફ રોડ એટલે કે ખડક, રણ કે નદીનાળામાં ગાડી ચલાવતા સાહસિકો માટે છે. પાંચ દરવાજા સાથે એકદમ સ્પીડ અને સલામતીનો અનુભવ કરાવતી જીમ્મીનું બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ગાડી મહિન્દ્રાની થાર સામે સીધી સ્પર્ધામાં ઉતરશે. જોકે, કંપનીએ આ ગાડીની કિંમત જાહેર હજુ કરી નથી.
એક ટચૂકડી કાર જે બેટરી અને સોલાર ઉપર ચાલશે
ઓટો એક્સ્પોમાં નવી દિલ્હી ખાતે બેંગ્લોરના એક સ્ટાર્ટ અપ વેવ મોબેલીટીએ એક ટચુકડી ગાડી બનાવી છે. ત્રણ પેસેન્જર એટલે કે દંપતી અને તેના બાળકને લઇ જઇ શકે એવી આ ગાડી આમ તો બેટરી ઉપર જ ચાલે છે પણ તેની સાથે સોલાર રૂફ આપવામાં આવ્યું છે. સોલાર રૂફના કારણે આ ગાડીની બેટરી ચાર્જ થયા કરે છે. કંપનીનો દાવો છે કે ભારતમાં સોલારથી ચાર્જ થાય એવી પ્રથમ ગાડી ઈવા બનશે. નાની બેટરી હોવા છતાં સોલારના સહારે ઈવા ૨૫૦ કિલોમીટર ચાલી શકે છે અને તેના લીધે શહેરની અંદર એક ફેમીલીને ફરવા માટે, ખરીદી કરવા માટે કે ઓફીસ આવવા જવા માટે આ એક ઉત્તમ સાધન સાબિત થઇ શકે એમ છે.
ફ્લાઈટ જેવી સુવિધા ધરાવતી વોલ્વોની નવી બસ
- પ્લેનના બિઝનેસ ક્લાસ જેવું સીટીંગ, પર્સનલ એન્ટરટેઈનમેન્ટ સ્ક્રીન અને બીજી કેટલીયે સુવિધા બસમાં જ ઉપલબ્ધ
અગ્રણી કાર અને કોમર્શીયલ વ્હીક્લ બનાવતી કંપની વોલ્વોએ તેની પેસેન્જર બસ ૯૬૦૦ને વધારે આધુનિક સ્વરૂપ આપ્યું છે. ડીઝલથી ચાલતી આ બસમાં સામાન્ય સીટીંગ વ્યવસ્થામાં ૫૭ મુસાફર પ્રવાસ કરી શકે છે પણ બિઝનેસ ક્લાસ કે ફેમીલી સાથે લાંબી મુસાફરી માટે આ બસમાં હવે પ્લેનમાં બિઝનેસ ક્લાસની કેબીનની જેમ ૧૦ કેબીન ઉભી કરવામાં આવી છે. દરેક કેબીનમાં મુસાફર લાંબા પગ કરી બેસી શકે છે અને સુઈ શકે તેવી વ્યવસ્થા છે. દરેક પેસેન્જરને ટચ સ્ક્રીન સાથે એન્ટરટેઈનમેન્ટ સીસ્ટમ આપવામાં આવી છે. બસની પાછળ ટોયલેટ છે અને એક નાની પેન્ટ્રી પણ જેમાં કેટલીક ચીજો ઉપલબ્ધ હોય તે સીટ ઉપર જ બેઠા બેઠા તે ઓર્ડર કરી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ બિઝનેસ ક્લાસ બસ ઓર્ડર અનુસાર બનાવી આપવામાં આવશે અને તેની અંદાજીત કિંમત રૂપિયા બે કરોડ કે તેથી વધારે હશે.
ગાડી ચાલુ હોય ત્યારે એલ્યુમિનિયમ હવામાંથી ઓક્સિજન મેળવે છે
ઇઝરાયેલની કંપની અને ઇન્ડીયન ઓઈલ એલ્યુમિનિયમથી ચાર્જ થતી ગાડી આપશે
- કાર એક વખત ચાર્જ કર્યા પછી 200 કિ.મી. ચાલતી હોય તો આ ટેકનોલોજીથી 400કિ.મી. દોડશે
અહી યોજાય રહેલા ઓટો એક્સ્પોમાં ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના બદલે પર્યાવરણને નુકસાન કરે નહી એવા અનેક વિચારો સાથે કંપનીઓએ પોતાની પરિકલ્પના સાથે પરિવહનના વિવિધ ઉકેલ રજૂ કર્યા હતા. તેમાં ઇઝરાયેલની કંપની ફીનેરજીનો ઉપાય સૌથી અલગ જોવા મળ્યો હતો.
આ કંપનીએ વર્તમાન બેટરીથી ચાલતી ગાડીઓ કેવી રીતે વધારે ચાલી શકે, એક જ ચાર્જમાં કેમ વધારે દોડી શકે તેના માટે એક અલગ આઈડિયા રજૂ કર્યો છે. આ પ્રોડક્ટનું અત્યારે ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને એક વર્ષમાં તે ભારતમાં ઉપલબ્ધ થઇ જશે એવો કંપનીનો દાવો છે.'અમે જે ટેકનોલોજી અપનાવી છે તેમાં બેટરીને ચાર્જીંગ માટે વીજળી આપવા માટેનો નવો રસ્તો બનાવ્યો છે. એલ્યુમિનિયમના એનોડ થકી અમે બેટરીનું ચાર્જાંગ કરીએ છીએ. ગાડી જ્યારે ચાલુ હોય ત્યારે એલ્યુમિનિયમ હવામાંથી ઓક્સીજન મેળવે છે.
આ ઓક્સીજન એનોડ સાથે ટકરાય ત્યારે ઉર્જા પેદા થાય તેને વીજળીમાં રૂપાંતરિત કરી બેટરીની ચાર્જીંગ લાઈફ વધારી શકીએ છીએ. જો તમારી કાર એક વખત ચાર્જ કર્યા પછી ૨૦૦ કિલોમીટર ચાલતી હોય તો આ ટેકનોલોજીથી ૪૦૦ કિલોમીટર ચાલશે,' ફીનેરજીના જ્યુડીથ યાવનીલેએ જણાવ્યું હતું.
ભારતમાં આ ટેકનોલોજી લાવવા માટે ફીનેરજી અને દેશની સૌથી મોટી ઇંધણ વેચતી કંપની ઇન્ડીયન ઓઇલે એક સંયુક્ત સાહસ કર્યું છે. એલ્યુમિનિયમ એનોડની પોતાની એક લાઈફ હોય છે એટલે તેને ફરી ચાર્જ કરવા કે બદલવા માટે ઇન્ડીયન ઓઈલના પમ્પનો ભવિષ્યમાં ઉપયોગ થશે એવું જ્યુડીથે ઉમેર્યું હતું.