India

કર્ણાટકમાં વોટ ચોરી કાંડ અંગે તપાસમાં SITનો ખુલાસો, 6000 જેટલા મતદારોનો અતોપતો નહીં

By GS TEAM
24 Oct 20253 mins read
TukuTouch Logo
કર્ણાટક પોલીસની SITએ 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આલંદ મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ હટાવવાના કૌભાંડમાં મહત્ત્વના પુરાવા મેળવ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે હજારો મતદારોના નામ હટાવવાનું ષડયંત્ર રચાયું હતું. SITએ છ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી છે અને 6,000થી વધુ મતો ખોટી રીતે હટાવ્યા હોવાના પુરાવા એકત્ર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ણાટકમાં વોટ ચોરી કાંડ અંગે તપાસમાં SITનો ખુલાસો, 6000 જેટલા મતદારોનો અતોપતો નહીં

6000 Voters Deleted in Aland Karnataka: કર્ણાટક પોલીસની SITએ 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આલંદ મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ હટાવવાના કૌભાંડમાં મહત્ત્વના પુરાવા મેળવ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે હજારો મતદારોના નામ હટાવવાનું ષડયંત્ર રચાયું હતું. SITએ છ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી છે અને 6,000થી વધુ મતો ખોટી રીતે હટાવ્યા હોવાના પુરાવા એકત્ર કર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કામ આલંદના એક સાયબર સેન્ટરમાં થયું હતું, જ્યાં ઓપરેટરોને દરેક અરજી માટે ₹80 ચૂકવવામાં આવતા હતા. SIT સૂત્રો અનુસાર, આ 'વોટર ડિલીશન ઓપરેશન' માટે લગભગ ₹4.8 લાખ ચૂકવાયા હતા.

નકલી ડિલીટ અરજીઓ માટે VoIPનો ઉપયોગ

તપાસ હવે એ વાત પર કેન્દ્રિત છે કે સાયબર સેન્ટરને ચૂંટણી પંચના પોર્ટલ સુધી કેવી રીતે પહોંચ મળી અને નકલી ડિલીટ અરજીઓ કેવી રીતે જમા થઈ. શરુઆતમાં CID સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા તપાસ કરાયા બાદ, હવે SIT એ આ મામલો સંભાળ્યો છે.

CID સૂત્રો અનુસાર, ડિસેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે VoIP (Voice Over Internet Protocol) દ્વારા આ ડિલીશન રિક્વેસ્ટ મોકલાઈ હતી. કુલ 6994 મત હટાવવા અરજી કરાઈ હતી, જેમાંથી મોટાભાગની નકલી હતી અને ખાસ કરીને દલિત તથા લઘુમતી મતદારોને નિશાન બનાવાયા હતા.

આ ગેરરીતિઓનો ખુલાસો થયા પછી મુખ્ય ચૂંટણી અધિકારી(CEO)એ તરત જ સ્ટેટસ ક્વો(યથાસ્થિતિ જાળવી રાખવા)નો આદેશ આપ્યો અને તમામ ડિલીશન (નામ હટાવવાની પ્રક્રિયા) રોકી દેવામાં આવ્યા.

મુખ્ય આરોપીને શોધવા માટે બ્લૂ કોર્નર નોટિસ જાહેર

તપાસમાં ગેરરીતિ આચરનાર સ્થાનિક નિવાસી મોહમ્મદ અશફાક સુધી પહોંચી, જેને ફેબ્રુઆરી 2023માં પૂછપરછ બાદ છોડી દેવાયો હતો. હાલ તે દુબઈમાં રહે છે અને તેને શોધવા માટે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા શરુ થઈ છે.

કોંગ્રેસ નેતાઓએ સૌપ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતો

આલંદ (કલબુર્ગી જિલ્લા) કોંગ્રેસના ધારાસભ્ય બી.આર. પાટીલનો મતવિસ્તાર છે. તેમણે અને મંત્રી પ્રિયંક ખડગેએ સૌપ્રથમ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી.

કોંગ્રેસ સરકારે ADGP બી.કે. સિંહના નેતૃત્વમાં SITની રચના કરી. રાહુલ ગાંધીએ પણ 'વોટ ચોરી'ના આરોપો ઉઠાવતા આ મામલો રાજકીય બન્યો. આ વિસ્તાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ગઢ ગણાય છે.

આ પણ વાંચો: બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે

પ્રિયંક ખડગેનો આકરો હુમલો: '₹80માં લોકતંત્ર વેચાયું

SITના રિપોર્ટ બાદ મંત્રી પ્રિયંક ખડગેએ 'X' પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે, 'આલંદમાં માત્ર ₹80માં મતદારોને ડિલીટ કરી દેવાયા. તેમણે દાવો કર્યો કે SITની તપાસથી સાબિત થયું કે 6000થી વધુ વાસ્તવિક મતદારોના નામ પૈસા લઈને હટાવાયા, જે કલબુર્ગીથી સંચાલિત એક ડેટા સેન્ટર દ્વારા થયું હતું.' તેમણે આને લોકતંત્ર સાથે છેડછાડ ગણાવી અને કહ્યું કે, 'તમામ પુરાવા ભાજપના નેતાઓ અને સહયોગીઓની સંડોવણી તરફ ઈશારો કરે છે. ખડગેએ ધમકી આપી કે BJPની '#VoteChori'ની દરેક ચાલનો પર્દાફાશ થશે અને દોષિતોને જેલમાં મોકલાશે.'

ભાજપ નેતાઓના ઘરો પર દરોડા અને કોંગ્રેસની પ્રતિક્રિયા

17 ઑક્ટોબરે SIT એ પૂર્વ ભાજપના ધારાસભ્ય સુભાષ ગુટ્ટેદાર, તેમના પુત્રો અને CA મલ્લિકાર્જુન મહંતગોલના ઘરો પર દરોડા પાડી 7 લેપટોપ અને ઘણા મોબાઇલ ફોન જપ્ત કર્યા.

કોંગ્રેસે SITની આ કાર્યવાહીને 'લોકતંત્ર પર હુમલો' ગણાવીને 'X' પર પોસ્ટ કર્યું કે, 'BJPની વોટ ચોરીનું સત્ય બહાર આવ્યું છે, જ્યાં એક મત હટાવવાની કિંમત ₹80 હતી.' કોંગ્રેસે આને ગરીબો અને વંચિતોના અધિકારો છીનવતો લોકતંત્ર પરનો સીધો હુમલો ગણાવ્યો. આલંદના ધારાસભ્ય બી.આર. પાટીલે કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે એ વાતથી મને સંતોષ છે.'