‘સવારે 11 વાગ્યે તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી...’ રાહુલ ગાંધીના પંજાબના CM પર ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On Punjab CM Bhagwant Mann : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પંજાબના પ્રવાસે પહોંચ્યા છે. સંગરૂરમાં આયોજિત ‘ઈન્સાફ રેલી’ને સંબોધતા તેમણે પંજાબની કાયદો-વ્યવસ્થા, નશાખોરીની ગંભીર સમસ્યા અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર અંગત અને રાજકીય આરોપો લગાવ્યા હતા.
ડ્રગ્સ અને ગેંગસ્ટરવાદ મુદ્દે પંજાબ સરકાર પર રાહુલના પ્રહાર
રાહુલ ગાંધીએ પંજાબમાં વધી રહેલા નશા અંગે વાત કરતા કહ્યું કે, ‘મેં વર્ષ પહેલાં જ્યારે પંજાબમાં ડ્રગ્સ વધવાની વાત કરી હતી, ત્યારે અનેક રાજકીય પક્ષોએ કહ્યું હતું કે મને પંજાબની કોઈ સમજ નથી. પંજાબમાં ઉદ્યોગો અને પાયાની સુવિધાઓ હોવી ખૂબ જરૂરી છે, નહીં તો ડ્રગ્સ અને ગેંગસ્ટરવાદ જ ફેલાશે. આજે રાજ્યમાં સિન્થેટિક ડ્રગ્સ સૌથી મોટો મુદ્દો બની ચૂક્યો છે.’
પંજાબ CM ભગવંત માન પર લગાવ્યા ગંભીર આરોપો
આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘AAPએ ડ્રગ્સ ખતમ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ તેમ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માન લોકસભામાં મારી બાજુમાં બેસીને જોક્સ સંભળાવતા હતા અને સવારે 11 વાગ્યે પણ તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. દારૂ પીવો એ તેમનો અંગત મામલો હોઈ શકે છે, પરંતુ જો તમારે નશા સામે લડવું હોય, તો તમારા CM ખુદ દરરોજ સાંજે નશો કરી શકે નહીં. પંજાબને એવા મુખ્યમંત્રીની જરૂર છે જે અહીંના દર્દને સમજી શકે.’
પીએમ મોદી અને અમિત શાહ પર પણ તીખા પ્રહારો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમિત શાહ દાવો કરે છે કે તેઓ 3 વર્ષમાં ડ્રગ્સ ખતમ કરી દેશે, પરંતુ ત્યાં સુધી તેઓ ગૃહમંત્રી જ નહીં રહે, કારણ કે આ સરકાર 1 વર્ષમાં જતી રહેશે. અદાણીના પોર્ટ પરથી જે ડ્રગ્સ પકડાયું હતું, તેનું શું થયું?’ વડાપ્રધાન પર પડકાર ફેંકતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પીએમ મોદી દાવો કરે છે કે કોંગ્રેસ દેશદ્રોહી છે. હું કોઈપણ મંચ પર 5 મિનિટમાં સાબિત કરી દઈશ કે મોદી રાષ્ટ્રવિરોધી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણમાં છે.’
સિદ્ધૂ મૂસેવાલાના પિતા સાથે મુલાકાત અને હત્યા અંગે દુઃખ
દિવંગત સિંગર સિદ્ધૂ મૂસેવાલાના પિતા સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘મેં મારા ભાષણ માટે એક પ્લાન તૈયાર કર્યો હતો. પરંતુ સિદ્ધૂ મૂસેવાલાના પિતા આવીને મને મળ્યા અને મેં મારા ભાષણનો પ્લાન બદલી નાખ્યો. કેટલાક વર્ષ પહેલાં હું મૂસેવાલાને મળ્યો હતો. ત્યારે હું મૂસેવાલાને વધુ ઓળખતો નહોતો, પરંતુ તેઓ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. જ્યારે અમે મળ્યા હતા, ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો હતો કે તેઓ એક જોખમી જગ્યાએથી આવી રહ્યા છે.’
તેમણે આગળ કહ્યું કે, ‘પછીથી મેં મૂસેવાલાનું ગીત 295 સાંભળ્યું હતું.’ મૂસેવાલાની સુરક્ષા હટાવીને ધોળા દિવસે કરવામાં આવેલી હત્યા અંગે ખેદ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ‘બલકૌર સિંહના પુત્ર સાથે જે બન્યું, તે હવે પંજાબમાં એક ફેશન બની ગયું છે અને આજે દરેક હોનહાર અને પ્રતિભાશાળી યુવાનને ગોળીઓથી વીંધી નાખવામાં આવી રહ્યો છે.’




