Get The App

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી 1 - image


ચાર અવકાશ યાત્રીઓ આજે આઈએસએસ પરથી રવાના થશે

શુભાંશુ શુક્લાએ આમ રસ અને ગાજરના હલવાનો સ્વાદ માણ્યો, કન્ડેન્સ્ડ મિલ્ક અને અખરોટમાંથી બનાવેલી કેક પણ પીરસાયાં

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૧૮ દિવસ સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા પછી ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા, એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ અવકાયાત્રીઓ માટે આઈએસએસ પરથી વિદાયનો સમય થઈ ગયો છે. તેઓ પૃથ્વી પર પાછા ફરવા માટે સોમવારે અવકાશ મથક પરથી રવાના થશે. તેઓ ૧૫ જુલાઈને મંગળવારે બપોરે ૩.૦૦ કલાકે કેલિફોર્નિયા પહોંચે તેવી શક્યતા છે.

એક્સિઓમ-૪ના કમાન્ડર પેગ્ગી વ્હિટસન, પાયલોટ શુભાંશુ શુક્લા, ટિબોર કાપુ અને મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોઝ ઉઝનાન્સ્કી વિસ્નિએવ્સ્કી તેમના સંશોધનો પૂરા કર્યા છે અને તેઓ સોમવારે સવારે ૭.૦૫ કલાકે આઈએસએસ પરથી અનડોક થશે. શુભાંશુ શુક્લા માટે આ પ્રવાસ ઐતિહાસિક રહ્યો છે. તેઓ આઈએસએસનો પ્રવાસ કરનારા પહેલા અને રાકેશ શર્મા પછી અવકાશમાં પહોંચનારા બીજા ભારતીય અવકાશ યાત્રી બન્યા છે.

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ જણાવ્યું કે, એક્સિઓમ-૪ અંગે મિશન સંચાલકોને લીલી ઝંડી આપી દેવાઈ છે. એક્સિઓમ-૪ મિશન હેઠળ અવકાશ યાત્રીઓ ૧૪ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગયા હતા. તેમનો આ સમયગાળો પૂરો થઈ ગયો છે. એક્સિઓમ-૪ના ક્રૂને આઈએસએસ પર રવિવારે સાંજે ઔપચારિક રીતે ફેરવેલ પાર્ટી અપાઈ હતી. અમેરિકન અવકાશ યાત્રી જોની કિમે કહ્યું કે, અવકાશયાત્રીઓને એપેટાઈઝર માટે રિહાઈડ્રેટેડ ઝિંગા કોકટેલ પીરસાયું હતું જ્યારે મુખ્ય મેનુમાં સ્વાદિષ્ટ ચિકન અને બીફ ફજિતાનો સમાવેશ કરાયો હતો. શુભાંશુ શુક્લાએ આમ રસ અને ગાજરના હલવાનો સ્વાદ માણ્યો હતો જ્યારે પોલિશ અવકાશ યાત્રી સ્લાવોઝે તેમની સ્થાનિક વાનગી, કોબી અને મશરૂમ્સ આરોગી હતી. તેમને મીઠી બ્રેડ, કન્ડેન્સ્ડ મિલ્ક અને અખરોટમાંથી બનાવેલી કેક પણ પીરસાયાં હતાં. આઈએસએસ પર હાલ ૧૧ અવકાશ યાત્રીઓ છે, જેમાં એક્સપેડિશન ૭૩ના સાત અને એક્સિઓમ-૪ વ્યાવસાયિક મિશનના ચારનો સમાવેશ થાય છે. 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મારફત જણાવ્યું કે, એક્સિઓમ-૪ મિશનના અવકાશ મથકથી અલગ થવાનો સમય ૧૪ જુલાઈને સાંજે ૪.૩૦ કલાકે નિર્ધારિત કરાયો છે. આ મિશનના પૃથ્વી પર સ્પ્લેશડાઉનની પ્રક્રિયા ૧૫ જુલાઈ બપોરે ૩.૦૦ કલાકે નિશ્ચિત કરાઈ છે. આ ટાઈમિંગમાં લગભગ એક કલાકની માર્જિન વિન્ડો હોય છે. એટલે કે આ સમયમાં એક કલાક સુધીનો ફેરફાર થઈ શકે છે. પૃથ્વી પર આગમન પછી શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓ ગુરુત્વાકર્ષણને અનુકૂળ થવા માટે સાત દિવસ સુધી રિહેબિલિશન સેન્ટરમાં રોકાશે.


Tags :