For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આસામ-મેઘાલયમાં સરહદ વિવાદ બાદ તંગદિલી : ભીડે 1 સિટી બસ સહિત 3 વાહનો સળગાવ્યા

આસામ ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા ગેરકાયદે રીતે લઈ જવાતી લાકડા ભરેલી ટ્રકને અટકાવતા ફાયરિંગ કરાયું હતું

ફાયરિંગની ઘટનામાં 5 મેઘાલયના, 1 આસામના વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું, ત્યારબાદ હિંસા ફાટી નિકળી હતી

Updated: Nov 25th, 2022

શિલોંગ, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર

આસામ-મેઘાલય બોર્ડર પર ફાયરિંગની ઘટના બાદ બંને રાજ્યોમાં સ્થિતિ તંગ બની છે. મેઘાલયની રાજધાની શિલોંગમાં ગુરૂવારે સાંજે કેટલાક બદમાશોએ એક ટ્રાફિક બુથને આગ લગાવી દીધી હતી. તો એક સિટી બસ સહિત 3 વાહનોને પણ સળગાવી દીધા હતા.


મીડિયા અહેવાલો મુજબ 22મી નવેમ્બરે આસામ-મેઘાલય સરહદ પર થયેલી ગોળીબારની ઘટનાના વિરોધમાં લોકોએ કેન્ડર માર્ચ યોજી હતી. શિલાંગના ઈસ્ટ ખાસી હિલ્સના SP એસ.નોંગટંગરે જણાવ્યું કે, કેન્ડર માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ અહીં તૈનાત પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો તેમજ પેટ્રોલ બોંબ ફેંકવામાં આવ્યા. અહીંથી ભીડને ખસેડવા માટે સુરક્ષા કર્મચારીઓએ ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો. દરમિયાન આ ઘટનામાં ભીડે એક સિટી બસ, એક જિપ્સી અને ત્રણ પોલીસ વાહનોને નુકસાન પહોંચાડ્યું છે.

કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ

આસામ અને મેઘાલયની સરકારો દ્વારા આ ગંભીર ઘટનાની કેન્દ્રીય એજન્સી તપાસની માંગ કરવામાં આવી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ બુધવારે જણાવ્યું કે, મેં આસામના મુખ્યમંત્રી સાથે ઘટના અંગે વાત કરી છે. સંગમાએ કહ્યું કે, અમારી માંગણી છે કે કેન્દ્રીય એજન્સી આ મામલાની તપાસ કરે. એનઆઈએ અથવા સીબીાઈએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ.


તો બીજી તરફ આસામ સરકારે પણ સંગમાની વાત પર સહમતિ વ્યક્ત કરી જણાવ્યું કે, તેઓ તપાસમાં સહકાર આપશે. આસામના મંત્રી જયંત મલ્લબારુઆએ જણાવ્યું હતું કે, આસામ સરકારે કેન્દ્રને આસામ અને મેઘાલય સરહદે મુક્રોહ વિસ્તારમાં બનેલી ગોળીબારની ઘટનાની સીબીઆઈ તપાસ કરાવવા વિનંતી કરી છે.

શું છે આ ઘટના ?

આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં અને મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સના મુક્રોહ ગામની સરહદ પર એક વિવાદિત વિસ્તારમાં મંગળવારે હિંસા થઈ હતી. આસામ ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા ગેરકાયદે રીતે કપાયેલા લાકડા લઈ જતી ટ્રકને અટકાવી હતી અને ત્યારબાદ ફાયરિંગ થયું હતું, જેમાં એક ફોરેસ્ટ ગાર્ડ સહિત 6 લોકો મૃત્યુ નિપજ્યા હતા. આ ઘના બાદ હિંસા ફાટી નિકળી હતી. મુક્રોહ ગામમાં માર્યા ગયેલા 6માંથી 5 મૃતકો મેઘાલયના હતા અને 1 મૃતક આસામનો હતો. આ ઘટના બાદ મેઘાલય સરકારે 7 જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી છે, જ્યારે આસામ પોલીસે સરહદી જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે.


Gujarat