આસીમ મુનીર પાસે જ છે પાકિસ્તાનની સત્તા : ટ્રમ્પ સાથે વ્યાપાર સંબંધે પણ મંત્રણા

- પરમાણુ યુદ્ધ રોકવા માટે ટ્રમ્પને નોબલ પ્રાઈઝ મળવું જોઇએ
- આ પરિસ્થિતિ શહબાઝ શરીફ માટે અપમાનજનક છે, શરીફ માત્ર રાજકીય મ્હોરૂં જ છે : સત્તાધીશ મુનીર છે
નવી દિલ્હી : પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરને થોડા દિવસો પહેલાં ફીલ્ડ માર્શલ બનાવાયેલ ઐયુબખાન પછી આ બીજા આર્મી ચીફ છે કે જેમને ફીલ્ડ માર્શલ બનાવાયા હોય. તેઓ પોતે ફીલ્ડ માર્શલ બની ગયા. વડાપ્રધાન શહબાઝ શરીફ માત્ર મ્હોરૂં જ બની રહ્યા છે.
પ્રમુખ ટ્રમ્પે તેઓને વૉશિંગ્ટન બોલાવ્યા. કહેવાય છે કે ઇરાન પર હુમલો કરવા માટે તેઓ પાકિસ્તાનને લોન્ચ પેડ બનાવવા માગે છે.
પાકિસ્તાનનાં સૈન્યે તો તેટલું જ જણાવ્યું હતું કે જન.મુનીર અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે માત્ર આતંકવાદનો સામનો કરવા અંગે અને બંને દેશોના વ્યાપારી સંબંધો મજબૂત કરવા વિષે મંત્રણા થઇ હતી. આશ્ચર્ય તે છે કે સેનાધ્યક્ષ વ્યાપાર વિસ્તાર માટે મંત્રણા કરે તેનો અર્થ જ તે થયો કે મુનીર હવે પાકિસ્તાનમાં સુપર પાવર બની ગયા છે. શહબાઝ શરીફ માત્ર મ્હોરૂં જ રહ્યા છે. મુનીરે ઇમરાન ખાનને જેલમાં રાખવાની ગેરેન્ટી સાથે સત્તા સોંપાવમાં આવી છે.
પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર તેવું બન્યું છે કે જ્યારે આર્મી ચીફને અમેરિકાના પ્રમુખે મળવા બોલાવ્યા હોય અને આટલી મંત્રણા કરી હોય. વાસ્તવમાં ટ્રમ્પ ઇરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાનને લોંચ પેડ બનાવવા માગે છે.
એવું પણ કહેવાય છે કે એકાદ સપ્તાહમાં જ અમેરિકા ઇરાન પર પ્રચંડ હુમલો કરવા માગે છે. તેથી તેને પાકિસ્તાનની જરૂર છે. બીજી તરફ ભારે આર્થિક તંગીમાં રહેલાં પાકિસ્તાનને અમેરિકાની સહાય જીવાદોરી છે. માટે અમેરિકાનો સાથ અનિવાર્ય છે. તેથી તે અમેરિકાને શરણે છે.
જન. મુનીરે તો ત્યાં સુધી કહ્યું : ભારત પાકિસ્તાન પરમાણુ યુદ્ધ રોકવા માટે ટ્રમ્પને શાંતિનું નોબલ પ્રાઈઝ મળવું જોઇએ.









