ગામડાં અગનભઠ્ઠી બનતાં લોકો માટીના મકાન, ચેકડેમ તરફ વળ્યાં, ગત વર્ષે પારો 50 ડિગ્રી પહોંચ્યો હતો
- મધ્ય પ્રદેશના ગામડાઓમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું હતું
- ખેતીનું કામ બપોર સુધીમાં પુરુ કરવા મજબુર, ગરમીને કારણે પશુઓમાં દુધ આપવાનું પ્રમાણ ઘટતા ગામડાઓમાં ચિંતા વધી
- મકાનો બનાવવામાં સિમેન્ટના સ્થાને માટીનો ઉપયોગ થવા લાગ્યો, છાંયડા માટે ઘટાદાર વૃક્ષોની માગ વધી
Weather News : વધી રહેલા તાપમાનની અસર શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારો પર પણ થવા લાગી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાપમાન વધી રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે હવે ગ્રામ્ય વિસ્તારના લોકો પરંપરાગત ઓછા ખર્ચાળ રસ્તા અપનાવી રહ્યા છે. જેમાં ચેકડેમ, તળાવોથી પાણીનો સંગ્રહ વધારવો તેમજ મકાન એવા બનાવવા કે જેથી ઉંચા તાપમાનનો પણ સામનો કરી શકાય.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં હીટવેવના સમયમાં સાતથી આઠ દિવસનો વધારો થઇ શકે છે. મધ્ય પ્રદેશના ભરવાણી જિલ્લામાં ગયા વર્ષે તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ ઉંચા તાપમાનની અસરોને પહોંચી વળવા માટે મધ્ય પ્રદેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પરંપરાગત જીવન તરફ પાછા વળવા લાગ્યા છે. મધ્ય પ્રદેશના માંડલા તાલુકાના બીજાદંડી વિસ્તારમાં રહેતી માલતી યાદવે પીટીઆઇને જણાવ્યું હતું કે એક સમયે અમારા ગામમાં પાણી મૂલ્યવાન ગણાતું હતું. પાણીની ભારે અછત રહેતી, જે વહેલા ઉઠે તેને પાણી મળતું હતું. બાકી લોકો પાણી વગર રહી જતા હતા. ભાગસુર ગામની રહેવાસી સીમા નારગવેએ કહ્યું હતું કે અમારા ગામમાં એટલુ તાપમાન વધી જાય છે કે રાત્રે 10 વાગ્યા સુધી ઘરની દિવાલો સળગતી હોય એટલી ગરમ રહે છે. આ પ્રકારની કુદરતી આફતોને પહોંચી વળવા માટે અમે હવે ચેકડેમ બનાવવા લાગ્યા છીએ.
માલતી અને અન્ય મહિલાઓએ એક ગ્રૂપ બનાવીને ગામમાં જાતે જ ચેકડેમ તૈયાર કરવાનું શરૂ કરી દીધુ છે. કેટલીક મહિલાઓ તળાવો તૈયાર કરવા લાગી છે. સીમા નામની એક મહિલાએ કહ્યું હતું કે હવે લોકો ઇંટોમાં સિમેન્ટની જગ્યાએ પરંપરાગત માટીનો ઉપયોગ કરીને ઘર બનાવે છે. માટીના મકાનો વધુ ઠંડા રહેતા હોય છે. અમારા દુધાળા પશુઓની ચામડી બળી જાય છે જેને કારણે દુધ આપવાનું બંધ કરી દે છે. માત્ર પશુઓ જ નહીં માનવીઓ અને ખાસ કરીને મહિલાઓએ બહુ સહન કરવું પડે છે. ઝારખંડના ગરવા જિલ્લાના 40 વર્ષીય ખેડૂત કુંતી દેવી સૂર્યોદય થાય તે પહેલા જ પોતાનું કામ શરૂ કરી દે છે. ઉત્તર પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના ખેડૂતો હવે એવા વૃક્ષો વધારે વાવવા લાગ્યા છે કે જે ઘટાદાર હોય જેથી છાંયડો મળી રહે.