For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આર્ય સમાજના લગ્નના પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવા સુપ્રીમનો ઈનકાર

Updated: Jun 3rd, 2022

Article Content Image

- આર્ય સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના પ્રમાણપત્ર આપવાનું નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 03 જૂન 2022, શુક્રવાર

સુપ્રીમ કોર્ટ દ્વારા આર્ય સમાજ દ્વારા આપવામાં આવતા લગ્નના પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે જણાવ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના પ્રમાણપત્ર આપવાનું નથી. વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનું કામ સક્ષમ ઓથોરિટી જ કરે છે, કોર્ટ સામે અસલી પ્રમાણપત્ર પ્રસ્તુત કરવામાં આવે. 

પ્રેમ લગ્ન અંગેના એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. યુવતીના પરિવારજનોએ તેને સગીર ગણાવીને પોતાની દીકરીના અપહરણ અને દુષ્કર્મ મામલે FIR દાખલ કરાવી હતી. યુવતીના પરિવારજનોએ યુવક વિરૂદ્ધ IPCની કલમ 363, 366, 384, 376(2) (n) ઉપરાંત 384 તથા પોક્સો એક્ટની કલમ 5(L)/6 અંતર્ગત કેસ દાખલ કરાવ્યો હતો.  

આ કેસમાં યુવકના કહેવા પ્રમાણે યુવતી પુખ્ત ઉંમરની જ છે અને તેણે પોતાની મરજીથી તથા અધિકારપૂર્વક લગ્નનો નિર્ણય લીધેલો છે. તેમના લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા છે. યુવકે તેનો પુરાવો રજૂ કરવા માટે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા તરફથી આપવામાં આવેલું લગ્નનું પ્રમાણપત્ર પણ દર્શાવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા તેનો સ્વીકાર કરવાની મનાઈ કરી દેવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટે આ કેસમાં એપ્રિલ મહિનામાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી. તે સમયે જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષિકેશ રોયે આર્ય પ્રતિનિધિ સભાને એક મહિનાની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5, 6, 7 અને 8ની જોગવાઈઓને પોતાની ગાઈડલાઈનમાં નિયમન અંતર્ગત સામેલ કરવા જણાવ્યું હતું.  

Gujarat