લોકપ્રિય રામાયણ ધારાવાહિકના આર્ય સુમંત ચંદ્રશેખરનું ૯૮ વર્ષે નિધન
રામાનંદ સાગરે સુમંતના રોલ માટે પસંદગી કરી ત્યારે ૬૫ વર્ષના હતા,
મુંબઇ,16 જૂન,2021,બુધવાર
એક જમાનામાં ટીવીની સૌથી લોકપ્રિય ધારાવાહિક રામાયણમાં આર્ય સુમંતની ભૂમિકા કરનારા કલાકાર ચંદ્રશેખરનું ૯૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. ચંદ્રશેખરના પુત્ર પ્રોફેસર અશોક ચંદ્વશેખરે બુધવારે સવારે ૭ વાગે પિતાનું મુત્યુ થયું હોવાની વાતને પુષ્ઠી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બપોર પછી વિલેપાર્લે સ્મશાનઘાટમાં સ્વ ચંદ્રશેખરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રામાયણના લોકપ્રિય કલાકારને ખાસ કોઇ બીમારી નથી પરંતુ અવસ્થાના લીધે અવસાન થયું હતું. ૭ જુલાઇ ૧૯૨૨ના રોજ જન્મેલા ચંદ્રશેખરનું જીવન મહેનત અને સંઘર્ષથી ભરેલું રહયું હતું.
માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે લગ્ન થવાથી ૭ માં ધોરણનો અભ્યાસ છોડવો પડયો હતો. ચંદ્રશેખરે આજીવિકા માટે એક સમયે ચોકિયાત અને લારી ખેંચવા જેવી નોકરી પણ કરી હતી. ચંદ્રશેખર માત્ર કલાકાર ન હતા તેમને ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો આથી તે સ્વાતંત્ર સેનાની પણ હતા. આઝાદી પછી વિકસી રહેલા હિંદી ફિલ્મ ઉધોગમાં ચંદ્રશેખરે ઝંપલાવ્યું હતું. ૧૯૫૪માં નિર્માતા વ્હી શાંતારામની તેરી મેરી કહાની ફિલ્મથી અભિનયના પગ માંડયા હતા. કાલી ટોપી લાલ રુમાલ, બિરાદરી સ્ટ્રીટ સિંગર અને રુસ્તમ એ બગદાદ અભિનયની દ્રષ્ટીએ નોંધનિય ફિલ્મો હતી. ચંદ્રશેખર કટી પતંગ, વસંત વિહાર અને શરાબીમાં પણ અભિનયનું અજવાળું પાથર્યુ હતું.
દુરદર્શનની લોકપ્રિય ધારાવાહિક રામાયણ માટે રામાનંદ સાગરે તેમની સુમંતના રોલ માટે પસંદગી કરી ત્યારે ૬૫ વર્ષના હતા. રામની અયોધ્યાનગરીમાં આર્ય સુમંતનું પાત્ર વફાદારી, શિસ્ત અને સમપર્ણના પ્રતિક સમાન હતું. રામના વિરહમાં પિડાતા રાજા દશરથના તે વિશ્વાસુ સાથીદાર રહયા હતા. રામાયણમાં આર્ય સુમંતનો રોલ પ્રમાણમાં ટુંકો છે તેમ છતાં ચંદ્રશેખરે જે અસરકારકતાથી ભજવ્યો તેના કારણે સૌને યાદ રહી ગયો છે. જાણીતા ટીવી એકટર શકિત અરોડા તેમના નજીકના સંબંધી થાય છે. શકિતને સિલસિલા બદલતે રિશ્તો કા શો થી સારી પોપ્યુલારિટી મળી હતી. શકિતએ તેના નાના ચંદ્રશેખર સાથે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર પ્રગટ કરી હતી.