- હિમવર્ષામાં ફસાયેલા આતંકીઓના સફાયા માટે સૈન્ય એલર્ટ
- પાંચથી દસ લાખનું ઇનામ ધરાવતા જૈશ-હિઝબુલના ટોચના કમાન્ડર્સ સૈન્યના નિશાના પર
- અફઘાનિસ્તાનમાં અલકાયદા સક્રિય, ભારતમાં ઇસ્લામિક રાજ સ્થાપવા કાવતરું ઘડી રહ્યું હોવાના અહેવાલ
- જમ્મુમાં 25 આતંકીઓ સક્રિય હોવાની બાતમી બાદ તપાસ અભિયાન, બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા
ગુપ્ત રિપોર્ટમાં સામે આવ્યું છે કે હાલમાં જમ્મુ પ્રાંતમાં ૩૦થી ૩૫ આતંકીઓ સક્રિય છે. જમ્મુ કાશ્મીરમાં ભારે ઠંડીની સીઝન ૨૧ ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી હોય છે. આ દરમિયાન આતંકીઓ ઠંડી અને હિમવર્ષાથી બચવા માટે જગ્યાઓ બદલતા હોય છે. મોટાભાગના આતંકીઓ શરણ લેવાનો પ્રયાસ કરતા હોય છે તો કેટલાક આતંકીઓ ફસાયેલા રહે છે. હાલમાં જમ્મુમાં જે આતંકીઓ સક્રિય છે તેની શોધખોળ કરીને ઠાર મારવા માટે સૈન્ય દ્વારા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સૈન્ય એકદમ અંતરિયાળ વિસ્તારમાં પહોંચીને આ ઓપરેશન ચલાવી રહી છે.
સૈન્ય જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર સૈફુલ્લાહ અને તેના સાથી આદીલ સહિતના કેટલાક મોસ્ટ વોન્ટેડ આતંકીઓની શોધખોળ કરી રહ્યું છે. હાલમાં આ બન્ને ટોચના આતંકીઓ કિશ્તવારમાં છુપાયા હોવાની શક્યતા છે. બન્ને સામે સુરક્ષાદળો દ્વારા પાંચ પાંચ લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરાઇ છે. કેટલાક વિસ્તારોમાં સૈન્ય દ્વારા એક સપ્તાહથી સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. આ સર્ચ ઓપરેસનમાં આશરે બે હજારથી વધુ જવાનો જોડાયેલા છે.
હિઝબુલના કમાન્ડર જાહિંગીર સરુરી અને બે સ્થાનિક આતંકીઓ મુદ્દસીર અને રીયાઝની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બન્ને આતંકીઓની વિરુદ્ધમાં દસ દસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
દરમિયાન એવી માહિતી મળી છે કે અલકાયદા અફઘાનિસ્તાનથી ભારતમાં ઇસ્લામીક રાજનું કાવતરુ ઘડી રહ્યું છે. હાલમાં અફઘાનિસ્તાનથી ડિજિટલ મીડિયાના માધ્યમથી અલકાયદા ભારતમાં ઝેર ફેલાવવા પ્રયાસ કરી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. મહારાષ્ટ્ર એટીએસની તપાસમાં આ માહિતી સામે આવી છે.
એટીએસ લાંબા સમયથી અલ કાયદા સાથે જોડાયેલા ઝુબૈર હંગારગેકરની આકરી પૂછપરછ કરી રહી છે. જેમાં અલકાયદા અંગે આ ખુલાસો થયો હોવાના અહેવાલો છે.


