'લડીને જીતવાની તાકાત નથી એટલે...' દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી

India vs Pak News : ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (NDIM)ના દીક્ષાંત સમારોહમાં પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાન હવે એ જાણી ચૂક્યું છે કે તે ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકે તેમ નથી, તેથી તે હવે 'પ્રોક્સી વોર' (પરોક્ષ યુદ્ધ) દ્વારા ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે તાજેતરમાં દિલ્હીમાં થયેલા ધમાકાને પણ આ જ ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો હતો.
'પ્રોક્સી વોર'નો સહારો લઈ રહ્યું છે પાકિસ્તાન
જનરલ દ્વિવેદીએ કહ્યું, "પાકિસ્તાન હવે સમજી ગયું છે કે તે ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકશે નહીં. આથી તે પ્રોક્સી વોર અને ખોટા યુદ્ધ દ્વારા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દિલ્હીમાં થયેલો ધમાકો પણ પોતાની હાજરી બતાવવાની તેની આ જ કોશિશનો એક ભાગ હતો. પરંતુ મને ખુશી છે કે આજનું ભારત બદલાઈ ચૂક્યું છે. ભારતે આ બધી ગતિવિધિઓને પહેલાથી જ પામી લીધી હતી અને સમયસર ઓપરેશન ચલાવ્યા. તેમની નિયત તો ભારતના દરેક ખૂણામાં બોમ્બ ધમાકા કરવાની હતી અને મુંબઈ સહિતના આપણા ઘણા શહેરો તેમના નિશાના પર હતા."
'ઓપરેશન સિંદૂર' વર્ષોની તૈયારીનું પરિણામ હતું
'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતાં જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે એક 'ભરોસાપાત્ર ઓર્કેસ્ટ્રા' જેવું હતું, જેમાં દરેક સભ્યએ એક સાથે અને સંપૂર્ણ તાલમેલ સાથે પોતાની ભૂમિકા ભજવી. આ જ તાલમેલને કારણે ભારતીય સશસ્ત્ર દળો માત્ર 22 મિનિટમાં નવ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં સફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ કોઈ તાત્કાલિક લેવાયેલો નિર્ણય નહોતો, પરંતુ "ઘણા વર્ષોની એ કલ્પનાનું પરિણામ હતું કે કેવી રીતે ઇન્ટેલિજન્સ, સચોટતા અને ટેકનોલોજી એક સાથે મળીને કાર્યવાહીમાં બદલાઈ શકે છે." ઉલ્લેખનીય છે કે, 7 મેના રોજ શરૂ થયેલું આ સૈન્ય અભિયાન લગભગ 88 કલાક ચાલ્યું હતું અને 10 મેની સાંજે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ અટક્યું હતું.

