મ્યાંમારથી મણિપુરમાં હથિયારોની દાણચોરી, દેશભરમાં નેટવર્કની શંકા
- ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી, એજન્સીઓ એલર્ટ
- શસ્ત્ર વિરામ કરનારા સંગઠનના નેતા રિચર્ડની ધરપકડથી તસ્કરીના નેટવર્કનો ભાંડો ફૂટયો
ઇમ્ફાલ: હિંસાગ્રસ્ત મણિપુર રાજ્યમાં મ્યાંમાર દેશમાંથી હથિયારો ઘૂસાડવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. એજન્સીઓને મળેલા રિપોર્ટ મુજબ મ્યાંમારથી આ હથિયારો મણિપુર થઇને બાદમાં દેશના અન્ય રાજ્યો સુધી પહોંચાડવામાં આવે છે. આ રિપોર્ટ બાદ એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.
મણિપુરની ઇમ્ફાલ ઘાટી સ્થિત ઉગ્રવાદી સંગઠન વીબીઆઇજીના નેતાની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓએ મ્યાંમારથી હથિયારોની તસ્કરી મુદ્દે તપાસ વધુ ઝડપી બનાવી દીધી છે. હથિયારોની આ તસ્કરીની અસર દેશભરમાં થવાની એજન્સીઓને શંકા છે.
એજન્સીઓને માહિતી મળી છે કે મ્યાંમારથી હથિયારો ઘૂસાડવામાં આવે છે જે બાદ તેને બનાવટી દસ્તાવેજો અને રજિસ્ટર કરાયેલા ગન હાઉસની મદદથી દેશના અન્ય હિસ્સામાં પહોંચતા કરવામાં આવે છે. મણિપુર પોલીસે સપ્તાહ પહેલા સ્વઘોષિત લેફ્ટનન્ટ અને ઉગ્રવાદી સંગઠન યુએનએલએફ-પીના સેક્રેટરી સુમેન્દ્રો ઉર્ફે રિચર્ડની ધરપકડ કરી હતી, જે બાદ હથિયાર તસ્કરીના રેકેટ મુદ્દે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૩માં આ ઉગ્રવાદી સંગઠને શસ્ત્ર વિરામની જાહેરાત કરી હતી અને શાંતિ કરાર પણ કર્યા હતા. જોકે હાલ તેના જ એક નેતા દ્વારા હથિયાર તસ્કરીનું રેકેટ ચલાવાઇ રહ્યંુ હોવાથી આ શસ્ત્ર વિરામ પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે આ સંગઠન શસ્ત્ર વિરામ બાદ પણ હથિયારો જમા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. સંગઠનના કેટલાક લોકો હથિયારોની તસ્કરીમાં સામેલ છે.