- દિલ્હી કાર વિસ્ફોટની તપાસમાં નવો ખુલાસો
- નબી માત્ર સુસાઇડ બોમ્બર જ નહીં આતંકીઓની ભરતી પણ કરતો હતો : ડારે અનેક રહસ્યો ખોલ્યા
- નબીએ ડારનું બ્રેઇનવોશ કરી સુસાઇડ બોમ્બર બનાવ્યો પરંતુ ડાર ખેતીના કામને કારણે હુમલામાં સામેલ નહોતો થયો
શ્રીનગર પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા નાબીના આતંકી મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટમાં આતંકી નબી ખુદને બોમ્બથી ઉડાવવાને કારણે માર્યો ગયો હતો પરંતુ જે અન્ય આતંકીઓ ઝડપાયા છે તેની પૂછપરછમાં નબીના આતંકી મોડયુલના નવા ખુલાસા થયા છે. એજન્સીઓએ કાશ્મીરના શોપિયાંના રહેવાસી યાસીર અહેમદ ડારની ધરપકડ કરી હતી. નબીએ ડારનું બ્રેઇનવોશ કરીને તેને આતંકવાદી બનાવી નાખ્યો હતો.
ડાર અને નબી બન્ને મળીને આત્મઘાતી હુમલાને અંજામ આપવાના હતા, ડાર સુસાઇડ બોમ્બર બનવા માટે તૈયાર પણ થઇ ગયો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ડાર અને નબી વચ્ચે બેઠક યોજાઇ હતી, ત્યારે અંતિમ સમયે જ ડારે ખુદને આ સમગ્ર કાવતરામાંથી બહાર કરી લીધો હતો, અને સફરજનની ખેતી તેમજ ઘરનું સમારકામ કરવાનું હોવાનું કહીને છટકી ગયો હતો. ડાર અને નબી બન્ને ૨૦૨૩થી એકબીજાના સંપર્કમાં હતા.
ડારે સ્વીકાર કર્યો હતો કે નબી એક ડોક્ટર હતો તેનું આ સ્ટેટસ મને બહુ આકર્ષિત કરી રહ્યું હતું. નબી ડોક્ટરનો હોદ્દો યુવાઓને પ્રભાવિત કરી આતંકી બનાવવા કરતો હતો. સુસાઇડ બોમ્બર નબી માત્ર હુમલાખોર નહીં પણ આતંકીઓની ભરતી કરનારો પણ હતો. રાજ્યો વચ્ચેના આ આતંકી નેટવર્કનો પર્દાફાશ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના એક પોસ્ટરને કારણે થયો હતો, શ્રીનગર પોલીસે તે સમયે આરિફ નિસાર ડાર, યાસિર ઉલ અશરફ, મકસૂદ અહમદ ડારની ધરપકડ કરી હતી. મૌલવી ઇરફાન અહમદ પણ ઝડપાયો હતો જેણે આ પોસ્ટરો સપ્લાય કર્યા હતા સાથે જ ડોક્ટરોને કટ્ટરવાદી બનાવવાનું કામ પણ કર્યુ હતું.


