Get The App

ગુજરાતમાં અનરાધાર અષાઢ : નવસારીમાં 13 ઈંચ

Updated: Jul 1st, 2023

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં અનરાધાર અષાઢ : નવસારીમાં 13 ઈંચ 1 - image


- રાજ્યના ૨૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો : હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

- જુનાગઢના વિસાવદરમાં વધુ ૮ ઈંચ સહિત બે દિવસમાં ૨૫ ઈંચ વરસાદ, જામનગરમાં તણાયેલા વધુ બેનાં મૃતદેહો મળતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૪ થયો ઃ એનડીઆરએફ ટીમ તૈનાત, નવસારીમાં નેશનલ હાઇવે-૪૮ના અમદાવાદ-મુંબઇ રૂટ પર પાણી ફરી વળ્યા

- ઉપલેટાના બન્ને ડેમો સહિત સૌરાષ્ટ્રના ૩૩ ડેમ છલકાયા

રાજકોટ/સુરત: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ ધોધમાર વરસાદ એક સપ્તાહથી વરસી રહ્યો છે. આજે દિવસ દરમિયાન ૨૦૦ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ ૧૩, ધરમપુરમાં ૧૦  ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જુનાગઢના વિસાવદરમાં આજે વધુ ૮ ઈંચ અને ગઈકાલે ૧૭ ઈંચ સહિત બે દિવસમાં રેકોર્ડબ્રેક ૨૫ ઈંચ વરસાદ વરસી જતા મોટાભાગના જળાશયો છલકાયા હતા. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

આજે સવારે ૬ થી રાત્રે ૮ દરમિયાન ૧૧૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડયો હતો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ચાર દિવસથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે અને ૮ વ્યક્તિના પાણીમાં ડુબી જવાથી મોત જાહેર થયા છે અને એક હજુ લાપત્તા છે. ત્યારે આજે સરકારે એન.ડી.આર.એફ.ની ટીમો જુનાગઢ અને જામનગર જિલ્લામાં તૈનાત કરી હતી.જામનગરમાં ગઈકાલે રણજીતસાગર ડેમમાં પિતા-પુત્રના, શહેરમાં એક બાળકીનું મોત થયા બાદ ગુલાબનગરના નવનાલા વિસ્તારમાં બાળકનું પૂરમાં તણાતા મોત આજે લાપત્તા વ્યક્તિને શોધવા ફાયરબ્રિગેડ સાથે એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં  ૩૫ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઉપરાંત જામનગર તાલુકાના૨૦ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. કેશોદ તાલુકાના સુત્રેજ ગામની સીમ ઓઝત નદીના પૂરના કારણે બેટમાં ફેરવાઇ છે.ત્યારે બે ખેડૂત જીવ બચાવવા વિજપોલ પર ચડીને કલાકો સુધી ચીપકી રહ્યા હતા. એન.ડી.આર.એફ.ની ટીમ પણ રેસ્ક્યુ ન કરી શકતા આખરે આ બંને ખેડૂતોને વાયુસેનાના હેલિકોપ્ટરથી એરલીફ્ટ કરવામાં આવ્યા હતા.જુનાગઢ જિલ્લાનો ઉબેણ ડેમ ઓવરફ્લો થતા રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની  નદીઓમાં ભારે પૂર આવ્યા હતા. સુપડાંધારે વરસેલી મેઘવર્ષાથી ઉપલેટાના મોજ અને વેણુ બન્ને મુખ્ય ડેમો ઓવરફ્લો થયા છે, જુનાગઢ જિલ્લાના લગભગ તમામ ૧૫ જળાશયો છલકાઈ ગયા છે તો સૌરાષ્ટ્રમાં ભાદર-૨,મોજ, વેણુ-૨ સહિત કૂલ ૩૩ ડેમો આજ સુધીમાં ઓવરફ્લો થતા પાણી પ્રશ્ને નિરાંત થઈ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ કરીને નવસારી, વલસાડ જિલ્લામાં મેઘરાજાની આક્રમક બેટીંગને પગલે પાણી-પાણી થઇ ગયું હતું.

 વલસાડના ધરમપુરમાં ૧૦ ઇંચ અને કપરાડામાં ૯.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદનું પાણી ઠલવાતા વલસાડની ઓરંગા નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમોમાં પણી ફરી વળ્યા છે. આ ઉપરાંત અનેક કોઝવે ઓવરટોપીંગ થતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે.  જ્યારે નવસારીમાં નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર પાણી ફરી વળ્યા હતા. જિલ્લાના ખેરગામમાં ૧૨.૯ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ૬ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે.


Tags :