નેશનલ-એક્સપ્રેસ હાઈવે પર રૂ. 3,000નો વાર્ષિક ફાસ્ટેગ પાસ : 15 ઓગસ્ટથી શરૂ
- કાર, જીપ, વાન જેવા નોન કોમર્શિયલ વાહનચાલકો માટે ખુશખબર
- એક્ટિવેશન કરાવ્યાની તારીખથી એક વર્ષ અથવા 200 ટ્રીપ બેમાંથી જે વહેલુ હશે ત્યાં સુધી આ પાસ માન્ય ગણાશે
નવી દિલ્હી : સરકાર ૧૫ ઓગસ્ટથી ૩૦૦૦ રૂપિયામાં ખાનગી વાહનો માટે ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરશે. હાઇવેની મુસાફરીને વધુ સરળ બનાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે.
એક્સ પર ગડકરીએ જણાવ્યું હતું કે એક્ટિવેશન કરાવ્યાની તારીખથી એક વર્ષ અથવા ૨૦૦ ટ્રીપ બેમાંથી જે વહેલુ હશે ત્યાં સુધી આ પાસ માન્ય ગણાશે. આ પાસ કાર, જીપ અને વાન જેવા નોન કોમર્શિયલ ખાનગી વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને જણાવ્યું છે કે આ પાસની મદદથી સમગ્ર દેશમાં નેશનલ હાઇવે પર સરળતાથી અને વ્યાજબી ભાવે મુસાફરી કરી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક્ટિવેશન અને રિન્યુઅલ માટેની લિંક ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ અને એનએચએઆઇ અને એમઓઆરટીએચની સત્તાવાર વેબસાઇટ ઉપલબ્ધ થશે.
પ્રધાને જણાવ્યું હતું કે ૨૦૦ ટ્રિપ માટે કુલ ૩૦૦૦ રૂપિયાને ધ્યાનમાં લઇએ તો ૧૫ ઓગસ્ટથી ટોલ પ્લાઝા પાસેથી પસાર થવાનો સરેરાશ ખર્ચ ૧૫ રૂપિયા થશે.
આ નીતિ ૬૦ કિમીના દાયરામાં સ્થિત ટોલ પ્લાઝા અંગે લાંબા સમયથી ચાલતી ચિંતાઓને દૂર કરે છે અને સિંગલ તથા વ્યાજબી ટ્રાન્ઝેકશનથી ટોલ પેમેન્ટને સરળ બનાવે છે. પ્રતીક્ષા સમય, ભીડને ઓછી કરવા તથા ટોલ પ્લાઝા પર વિવાદોને ઘટાડી આ વાર્ષિક પાસનો ઉદ્દેશ લાખો ખાનગી વાહન માલિકોને સુગમ યાત્રાનો અનુભવ કરાવવાનો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જેમની પાસે અગાઉથી જ ફાસ્ટેગ છે તેમને નવો ફાસ્ટેગ ખરીદવાની જરૂર નથી. વાર્ષિક પાસ વર્તમાન ફાસ્ટેગ પર એક્ટિવેટ કરી શકાશે પણ આ માટે જરૂરી માપદંડો પૂરા થતા હોવા જોઇએ. આ માપદંડોમાં ફાસ્ટેગ વાહનના વિન્ડશીલ્ડ પર યોગ્ય રીતે ચોંટાડેલો હોવો જોઇએ, કાયદેસર વેહિકલ રજિસ્ટ્રેશન નંબર સાથે જોડાયેલો હોવો જોઇએ અને બ્લેકલિસ્ટેડ ન હોય વગેરે. આ વાર્ષિક પાસ ફક્ત નેશનલ હાઇવે (એનએચ) અને નેશનલ એક્સપ્રેસવે (એનઇ) ફી પ્લાઝા પર જ માન્ય ગણાશે.
રાજ્ય સરકાર કે સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત એક્સપ્રેસવે, સ્ટેટ હાઇવેના ફી પ્લાઝા પર આ ફાસ્ટેગ રેગ્યુલર ફાસ્ટેગ તરીકે કાર્ય કરશે અને યુઝર ફી ચાર્જિસ લાગુ પડશે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વાર્ષિક પાસ ફરજિયાત નથી અને વર્તમાન ફાસ્ટેગ ઇકોસિસ્ટમ અગાઉની જેમ જ કામ કરતી રહેશે. મંત્રાલયે જણાવ્યું છે કે ૨૦૦ ટ્રિપ પૂર્ણ થઇ ગયા પછી આ વાર્ષિક પાસને ફરીથી ખરીદી શકાશે. આ માટે એક વર્ષ પૂર્ણ થવું જરૂરી નથી.