Get The App

અનિલ અંબાણીએ કંપનીના નાણાંની હેરાફેરી કરી : ત્રણ વર્ષ માટે સેબીનો પ્રતિબંધ

Updated: Feb 12th, 2022

GS TEAM

Google News
Google News
અનિલ અંબાણીએ કંપનીના નાણાંની હેરાફેરી કરી : ત્રણ વર્ષ માટે સેબીનો પ્રતિબંધ 1 - image


ફંડને  અન્યત્ર ફેરવવા અને બુક્સ ઓફ એકાઉન્ટસની ખોટી રજૂઆતનો કેસ

રિલાયન્સ હોમ ફાઈનાન્સના અન્ય ત્રણ એક્ઝિક્યુટીવ પર પણ સેબીએ કોરડો વિંઝ્યો

મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ત્રણ એક્ઝિક્યુટીવ-વ્યક્તિઓ પર સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રવેશવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કંપનીની કથિત છેતરપિંડી-કપટપૂર્વકની પ્રવૃતિઓમાં સંડોવણીના આરોપસર આ પ્રતિબંધ મૂકાયો છે. 

સેબીએ આ ઉપરાંત અંબાણી અને અન્ય ત્રણ વ્યક્તિઓને કોઈપણ લિસ્ટેડ કંપનીઓ કે ઈન્ટરમીડિયરી સાથે સંકળાવા પર રોક લગાવી છે અને કોઈપણ લિસ્ટેડ કંપનીઓના ડિરેકટર અથવા પ્રમોટર તરીકે સક્રિય રહેવા પર નવા આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે.

અન્ય ત્રણ વ્યક્તિઓમાં રિલાયન્સ હોમના સીનિયર એક્ઝિક્યુટીવ અમિત બાપના, રવિન્દ્ર સુધાકર અને પિન્કેશ આર. શાહનો સમાવેશ છે. સેબીનો  આક્ષેપ છે કે કંપનીએ ફંડને  અન્યત્ર ફેરવ્યું છે અને બુક્સ ઓફ એકાઉન્ટસની ખોટી રજૂઆત કરી છે અને જનતાને સાચી માહિતી જાહેર કરી નથી. 

રિલાયન્સ હોમ ફાઈનાન્સના ફંડમાં ગોલમાલ થયાનો પર્દાફાશ થતાં કંપનીનો ઓડિટર પ્રાઈસ વોટરહાઉસે તેના વાર્ષિક હિસાબોને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. સેબીના આદેશ મુજબ અનિલ અંબાણી અને તેમના ત્રણ સહયોગી અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ આગામી આદેશ સુધી સિક્યુરિટીઝમાં કોઈપણ પ્રકારે ખરીદ કે વેચાણ કરી શકશે નહીં.

સેબીના પૂર્ણકાલિન મેમ્બર એસ.કે.મોહન્તીના 100 પેઈજના ઓર્ડર મુજબ ઓડિટ કંપનીએ આપેલા રાજીનામા ઉપરાંત આ બાબતને સમર્થન આપતા અન્ય દસ્તાવેજી પુરાવા પણ તેની પાસે છે. આ  સિવાય સેબીને અન્ય લોકો પાસેથી પણ ફરિયાદો મળી હતી. જેમાં કંપનીએ તેના પ્રમોટર્સ દ્વારા ફંડને ખોટી રીતે અન્યત્ર વાળવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ  ઉપરાંત બેંકોએ પણ રિલાયન્સ હોમ ફાઈનાન્સ દ્વારા ઉધાર લેવાયેલું ફંડ અન્ય કંપનીઓમાં ડાઈવર્ટ કરી તેનો ઉપયોગ તેની લોનો ચૂકવવા થયો હોવાના આક્ષેપ કર્યા હતા. સેબીને  આ સાથે એવી ફરિયાદો પણ મળી હતી કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતી કંપનીઓનો  ઉપયોગ રિલાયન્સ હોમ ફાઈનાન્સમાંથી ફંડ મેળવવા માટે કરાયો હતો અને આ ગોલમાલમાં તેના પ્રમોટર પણ  સામેલ હતા. 

આ ફરિયાદો અને પત્રોના આધાર પર સેબીએ રિલાયન્સ હોમ ફાઈનાન્સના 2018-19ના હિસાબોની તપાસ શરૂ કરી હતી. જેમાં મોટાભાગના આક્ષેપ સાચા હોવાનું બહાર આવ્યું હતું. સેબીને જણાવ્યું હતું કે, રિલાયન્સ હોમ ફાઈનાન્સે સિટી સિક્યુરિટીઝ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિઝ, તુલિપ એડવાઈઝર્સ અને એરિઓન  મૂવી પ્રોડકશન સહિતની 13 કંપનીઓમાં ફંડ ટ્રાન્સફર કર્યું હતું.

આ લોનોને જનરલ પરપઝ કોર્પોરેટ લોન તરીકે બતાવવામાં આવી હતી. ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, નાણાકીય વર્ષ 2018-29માં કંપનીએ રૂ.14,578 કરોડ અલગ અલગ કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી રૂ.12,489 કરોડ એવી 47 કંપનીઓને આપવામાં આવ્યા હતો કે જેમનું કનેકશન રિલાયન્સ હોમ ફાઈનાન્સના પ્રમોટર્સ અને મેનેજમેન્ટ સાથે હતું. 

Tags :