અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા
- પીએમએલએ હેઠળ નિવેદન રેકોર્ડ કરાયું
- રૂ. 17000 કરોડની બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડીએ 10 કલાક પૂછપરછ કરી
નવી દિલ્હી : અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓ વિરુદ્ધના ૧૭૦૦૦ કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી કેસો સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસના સંબધમાં પૂછપરછ માટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી આજે એન્ફોર્સ ડિરેક્ટોરેટ સામે હાજર થયા હતાં.
અનિલ અંબાણી મધ્ય દિલ્હીમાં આવેલ સેન્ટ્રલ તપાસ એજન્સીની ઓફિસમાં સવારે ૧૦.૫૦ વાગ્યે ઇલેક્ટ્રિક કારથી પહોંચ્યા હતાં.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૬૬ વર્ષીય ઉદ્યોગપતિનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇડીએ આ અગાઉ ૨૪ જુલાઇના રોજ મુંબઇમાં અનિલ અંબાણીના બિઝનેસ ગ્રુપના એક્ઝિક્યુટીવ્સ સહિતના ૨૫ લોકો અને ૫૦ કંપનીઓના ૩૫ પરિસરોમાં દરોડા પાડયા હતાં.
ઇડીએ બેંક લોન છેતરપિંડીના મોટા કેસોની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર અનિલ અંબાણી વિરુદ્ધ લૂક આઉટ સર્કયુલર (એલઓસી) નોટીસ જારી કરી હતી. તપાસના ભાગરૂપે તેમના ગ્રુપના કેટલાક એક્ઝિક્યુટીવ્સને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતાં.
આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક કેસમાં ઇડીએ તાજેતરમાં ઓડિશા સ્થિત કંપનીના એમડી પાર્થ સારથી બિસવાલની ધરપકડ કરી હતી. તેમણે અનિલ અંબાણી ગ્રુપ કંપનીને ૬૮ કરોડ રૂપિયાની નકલી બેંક ગેરંટી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનિલ અંબાણી અને બિસવાલને સાથે રાખી પૂછપરછ કરવામાં આવી શકે છે.