Get The App

આંધ્ર પ્રદેશમાં વહેલી સવારે ભીષણ અકસ્માત: તીર્થયાત્રાએ જતાં 8 શ્રદ્ધાળુના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
આંધ્ર પ્રદેશમાં વહેલી સવારે ભીષણ અકસ્માત: તીર્થયાત્રાએ જતાં 8 શ્રદ્ધાળુના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ 1 - image


Andhra Pradesh Accident:  દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં ગુરુવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુર્નૂલ જિલ્લાના ચિલકલાડોના પાસે એક બોલેરો ગાડી અને ટ્રક (લોરી) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં કર્ણાટકના ચિક્કામગલુરુ વિસ્તારના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે.


તીર્થયાત્રા બની કરૂણાંતિકા

મળતી માહિતી મુજબ, આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં અન્ય 10 થી 12 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એમ્મિગનૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયની જાહેરાત કરી

આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું." વડાપ્રધાને PMNRF તરફથી પ્રત્યેક મૃતકના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાય આપવાની જાહેરાત કરી છે.

પોલીસ તપાસ શરૂ

કુર્નૂલ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતા જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બોલેરો અને ટ્રક વચ્ચેની સીધી ટક્કર જવાબદાર હોવાનું મનાય છે.