સાવરકરના માફી પત્ર વિશે સરકાર પાસે કોઇ રેકોર્ડ નથી
- વિપક્ષો કહે છે કે સાવરકરે અંગ્રેજ સરકારની માફી માગી હતી
- સેલ્યુલર જેલના સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ઉલ્લેખ નથી
નવી દિલ્હી તા.5 ફેબ્રુઆરી 2020, બુધવાર
વીર સાવરકરે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાંથી મુક્ત થવા અંગ્રેજ સરકારને માફી માગતો પત્ર લખ્યો હતો એવી વાતો વચ્ચે એવી માહિતી પ્રગટ થઇ હતી કે સાવરકરે લખેલા કહેવાતા પત્રની કોઇ માહિતી કે વિગત સરકાર પાસે નથી.
પ્રવાસી પર્યટકો માટે સેલ્યુલર જેલ દ્વારા રોજ જે સાઉન્ડ એન્ડ લાઇટ શો યોજાય છે એમાં પણ આ વાતનો કોઇ ઉલ્લેખ આવતો નથી.
કેન્દ્રના પ્રવાસ પર્યટન અને સંસ્કૃતિ વિભાગે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)એ અંગ્રેજ સરકારને લખેલા કહેવાતા પત્ર બાબત કોઇ રેકોર્ડ આંદામાન નિકોબાર વહીવટી તંત્ર પાસે નથી. પ્રવાસ પર્યટન ખાતાના રાજ્યપ્રધાન પ્રહ્લાદ સિંઘ પટેલે એક સવાલના લેખિત જવાબમાં રાજ્ય સભાને આ માહિતી આપી હતી.
આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં રોજ થતા લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં વીર સાવરકરે માગેલી માફીનો ઉલ્લેખ કેમ થતો નથી એવા સવાલના જવાબમાં પ્રહ્લાદ સિંઘ પટેલે આ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આંદામાન નિકોબાર તંત્રના પ્રવાસ પર્યટન અને સંસ્કૃતિ ખાતા પાસે આ બાબતનો કોઇ રેકોર્ડ નથી.
અત્રે એ નોંધવું જોઇએ કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના એક મુખ્ય ઘટક જેવા શિવસેનાના નેતાઓ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી સતત કરી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સરકારના અન્ય ઘટક એવા કોંગ્રેસે આ માગણીનો જબરો વિરોધ કર્યો હતો.