VIDEO : કોકના મોતનો મલાજો તો રાખો! રીલના ચક્કરમાં પોલીસ કર્મીઓએ અર્થીને કાંધ આપતો વીડિયો બનાવ્યો
Uttar Pradesh Police Viral Video: ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાં તૈનાત બે પોલીસ કર્મીએ મોતનો મલાજો પણ જાળવ્યો નહીં. રીલ માટે કન્ટેન્ટની ભૂખ ધરાવતા આ બે પોલીસ કર્મીએ અંતિમ યાત્રાને જ શૂટિંગ સ્પૉટ બનાવી દીધુ હતું. વર્દીમાં બંને પોલીસ કર્મીએ રસ્તા પરથી પસાર થઈ રહેલી અંતિમ યાત્રામાં સામેલ થઈ અર્થીને કાંધ આપી હતી. આ કાંધ આપતો વીડિયો શૂટ કરી ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હતો. જેમાં બેકગ્રાઉન્ડમાં જિંદગી પ્યાર કા ગીત હૈ... ગીત વાગી રહ્યું હતું. વીડિયો વાઈરલ થતાં અમરોહાના એસપી અમિત કુમાર આનંદે તપાસના આદેશ આપ્યા છે.
આ મામલે એસપીએ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. જે પોલીસ કર્મીઓનો વીડિયો વાઈરલ થયો છે, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ છે. તેઓએ માત્ર રીલ બનાવવાના ચક્કરમાં અંતિમયાત્રાને અટકાવી અર્થીને કાંધ આપી હતી. જેથી કેમેરામાં ઈમોશનલ ફ્રેમ રજૂ કરી શકે. આટલેથી જ ન અટકતાં જુદા-જુદા એંગલથી વીડિયો શૂટ કર્યો હતો. બાદમાં એડિટ કરી રીલ બનાવી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં વિભાગે આ મામલે ગંભીરતા દર્શાવી તપાસ હાથ ધરી હતી.
શું વર્દીધારી માત્ર કેમેરા અને લાઈક્સ માટે કામ કરે છે?
પોલીસ કર્મીઓના ઓન ડ્યૂટી વીડિયો અવારનવાર વાઈરલ થઈ રહ્યા છે. પ્રજાનું રક્ષણ અને સેવા માટે ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓ કેમેરા અને લાઈક્સ માટે ગમે-તે હદે જઈ રહ્યા હોવાથી લોકોએ રોષ ઠાલવ્યો છે. આ વીડિયો વાઈરલ થતાં અનેક યુઝર્સે કમેન્ટ કરી સવાલ ઉઠાવ્યા છે કે, શું હવે વર્દીધારી માત્ર કેમેરા અને લાઈક્સ માટે કામ કરી રહ્યા છે? શું પોલીસની મર્યાદા હવે ટ્રેન્ડિંગ રીલ્સમાં સમાઈ જશે. જિલ્લાના જવાબદાર અધિકારી પોલીસ કર્મીના વીડિયોને પ્રમોટ કરી રહ્યા છે. આ પોલીસ કર્મીના ઈન્સ્ટાગ્રામ પર 35 લાખ ફોલોઅર્સ છે. તેઓ સોશિયલ મીડિયા પરથી કમાણી કરી રહ્યા છે.
પોલીસની ગરિમાનો ખ્યાલ રાખવા આદેશ
થોડા દિવસ પહેલાં જ ઉત્તરપ્રદેશની પોલીસે નવી ભરતીમાં આવેલા પોલીસ કર્મીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે વિભાગની ગરિમાનો ખ્યાલ રાખજો, અને અયોગ્ય-અનુચિત કન્ટેન્ટ બનાવશો નહીં. જો કે, આ નિર્દેશની કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી.
પોલીસની વર્દીમાં વીડિયો કન્ટેન્ટ વધ્યું
આજકાલના નવયુવાનો પોલીસમાં ભરતી થતાં જ વર્દીમાં અનેક વીડિયો અપલોડ કરી રહ્યા છે. અમુક લોકોએ તો ટ્રેનિંગ સુધીનો વીડિયો પણ અપલોડ કર્યો છે. જેથી પોલીસ વિભાગે આ મામલે કડક વલણ લેતાં નિર્દેશ જાહેર કર્યા હતાં. જેમાં વિભાગના નિયમો-શરતો અને ગોપનીયતાને ધ્યાનમાં રાખતા નિયમોનું આકરૂ પાલન કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેમ છતાં ક્યાંક ચૂક રહી જતી હોવાથી ઘણા પોલીસ કર્મી વર્દીમાં વીડિયો અપલોડ કરી રહ્યા છે.