અમૃતા ફડણવીસ અનિલ અને અનિક્ષાના સંપર્કમાં હતી! ચાર્જશીટમાં પતિ સાથેના ખરાબ સંબંધોનો ઉલ્લેખ
અમૃતા ફડણવીસ એક હોટલમાં અનિક્ષા જયસિંઘાનીને મળ્યા હતા
અમૃતા ફડણવીસે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Image : Twitter |
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ બુકી અનિલ જયસિંઘાની અને તેમની પુત્રી અનિક્ષા જયસિંઘાણીના સતત સંપર્કમાં હતી. મુંબઈ પોલીસની ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો થયો છે.
અમૃતા ફડણવીસ અનિક્ષા જયસિંઘાનીના સંપર્કમાં હતી
મુંબઈ પોલીસની ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે અમૃતા ફડણવીસ 6 માર્ચે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની એક હોટલમાં અનિક્ષા જયસિંઘાનીને મળ્યા હતા. તે વોટ્સએપ ચેટ દ્વારા અનિક્ષા જયસિંઘાનીના સંપર્કમાં હતી. અમૃતા ફડણવીસે સાથે એ પણ શેર કર્યું હતું કે વર્ષ 2019થી દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સંબંધો સારા નથી. અનિક્ષા જયસિંઘાની પર આરોપ છે કે તેણે અમૃતા ફડણવીસને તેના પિતા અનિલ જયસિંઘાનીનું નામ હટાવવા માટે 1 કરોડ રૂપિયાની લાંચ આપવાની ઓફર આપી હતી. અમૃતા ફડણવીસે આ અંગે મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમૃતા ફડણવીસને અનિલ જયસિંઘાની દ્વારા ધમકી આપવામાં આવી હતી કે તેઓ મોદી, પવાર અને ઉદ્ધવને તેમના સંબંધિત ઓડિયો અને વિડિયો મોકલશે અને તેમનો પર્દાફાશ કરશે.
અનિક્ષા જયસિંહાની અમૃતા ફડણવીસને ઓફર આપવામાં આવી હતી
મુંબઈ પોલીસે લાંચ અને ધમકીના કેસમાં 793 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે અનિક્ષા જયસિંઘાની અને અનિલ જયસિંઘાની અમૃતા ફડણવીસના સંપર્કમાં હતા. અનિક્ષા અમૃતા ફડણવીસને એક કેસમાં અનિલ જયસિંઘાનીનું નામ ક્લિયર કરવા માટે મોટી ઓફર આપીને લલચાવતી હતી. મુંબઈ પોલીસની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે 20 ફેબ્રુઆરીએ FIR નોંધાયા બાદ 24 ફેબ્રુઆરીએ અમૃતા ફડણવીસે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મામલે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરશે. હાલમાં અનિલ જયસિંઘાની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને અનિક્ષા જયસિંઘાણીને જામીન પર મુક્ત કરવામાં આવી છે.
અનિક્ષા અને અનિલ જયસિંઘનીએ અમૃતા ફડણવીસ સાથે આ વાતચીત કરી હતી
મુંબઈ પોલીસે તેમની ચાર્જશીટ સાથે અમૃતા ફડણવીસની અનિક્ષા અને અનિલ જયસિંઘાની સાથેની ચેટને સાથે જોડી છે. આ ચેટમાં અનિક્ષાએ લખ્યું હતું કે મારા પિતા જાણે છે કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમની વિરુદ્ધ પોલીસનો ઉપયોગ કરશે અને તેઓ વીડિયોને ખોટો હોવાનો દાવો કરશે. પરંતુ આનાથી કોઈ ફાયદો થવાનો નથી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના સંપર્કમાં હોવાનો દાવો કરતાં અનિલ જયસિંઘાણીએ કહ્યું હતું કે તેઓ અમૃતા ફડણવીસ સાથે સંબંધિત વીડિયો બંનેને અને મોદીજીને મોકલવાના છે.
દેવેન્દ્ર ફડણવીસને ધમકી આપવામાં આવી
મુંબઈ પોલીસની ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનિલ જયસિંઘાણીએ અમૃતા ફડણવીસ સાથે ચેટ કરતી વખતે જણાવ્યું હતું કે તેમને 1000 કરોડનું નુકસાન થયું છે. તેમની સામે નોંધાયેલા 17 કેસના કારણે તેમને આ નુકસાન થયું છે. તેને તેમાંથી બહાર કાઢવા માટે 1 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી. ઓફર નકાર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસને રૂપિયા 10 કરોડની વસૂલાત માટે ઓડિયો અને વીડિયો વાયરલ કરીને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાની ધમકી આપવામાં આવી હતી.
અમૃતા ફડણવીસે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરવાની ખાતરી આપી
આ ચેટમાં અમૃતા ફડણવીસે અનિલ જયસિંઘાણીને આશ્વાસન આપ્યું હતું કે જો તેમની સામેના કેસ ખોટા હોવાનું જાણવા મળશે તો તેઓ તેમના પતિ સાથે મદદ કરવા માટે વાત કરશે. આ વાત FIR નોંધાયા બાદની છે. અમૃતા ફડણવીસે કહ્યું હતું કે 2019થી દેવેન્દ્ર ફડણવીસ સાથે તેના સંબંધો સારા નથી. જો તેઓને લાગે છે કે જો તેમની સાથે અન્યાય થયો છે તો તેઓ ચોક્કસપણે ન્યાય કરશે. પોલીસની સલાહ બાદ ફડણવીસે આ મેસેજ મોકલ્યો હતો જેથી કરીને અનિલ જયસિંઘાનીનું લોકેશન શોધી શકાય. જયસિંઘાની ઘણા કેસમાં આઠ વર્ષથી ફરાર હતો. આ કેસમાં પહેલી ધરપકડ 16 માર્ચે અનિક્ષાની થઈ હતી. અનિલ જયસિંઘાનીની 19 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.