૨૦૧૯માં લોકસભાની ચૂંટણી ચાલતી હતી એ જ વખતે યુપીના નેતા અતુલ રાય ઉપર યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો. એ વખતે જ અતુલ રાયની ધરપકડ થઈ હતી. હવે તેને મદદ કરવાના આરોપમાં પૂર્વ આઈપીએસ અમિતાભ ઠાકુરની પણ ધરપકડ થઈ છે.અતુલ રાય જેલમાંથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડયા હતા અને જીતી ગયા હતા. બસપાના સાંસદ ઉત્તર પ્રદેશની નૈની જેલમાં બંધ છે. પીડિતાએ અતુલ રાય ઉપરાંત કેટલાય આરોપીઓ ઉપર આક્ષેપ લગાવ્યા હતા. એમાં પૂર્વ આઈપીએસ અમિતાભ ઠાકુરનો પણ સમાવેશ થતો હતો. અમિતાભ ઠાકુર પર આરોપ લાગ્યો હતો કે માફિયા મુખ્તાર અંસારીના કહેવાથી બસપાના સાંસદ અતુલ રાયને બચાવવા માટે અમિતાભ ઠાકુરે ષડયંત્ર રચ્યું હતું.અમિતાભ ઠાકુરની આ રેપ કેસમાં સંડોવણી મુદ્દે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એ એસઆઈટીના રીપોર્ટના આધારે જ પૂર્વ પોલીસ અધિકારી અમિતાભ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ધરપકડ કરવા અમિતાભ ઠાકુરના ઘરે પહોંચી ત્યારે આ પૂર્વ આઈપીએસ અધિકારીએ સાથે આવવાનો ઈનકાર કર્યો હતો.એ પછી પોલીસે પૂર્વ આઈપીએસ અધિકારીને ખેંચીને બળજબરીથી ગાડીમાં બેસાડયા હતા. ધરપકડ કરવા પહોંચેલી પોલીસની ટીમના કહેવા પ્રમાણે પૂર્વ આઈપીએસ અધિકારીએ દમ દેખાડયો હતો અને એક કર્મચારી ઉપર હાથ પણ ઉપાડયો હતો.ઉલ્લેખનીય છે કે અતુલ રાય ઉપર રેપનો આરોપ લગાડનારી પીડિતાએ ગત ૧૬મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટની બહાર તેના મિત્ર સાથે શરીર ઉપર આગ લગાડી દીધી હતી. બંનેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ પહેલાં બંનેએ ફેસબુક લાઈવ કર્યું હતું અને ન્યાયની માગણી કરી હતી. પીડિતાએ એસએસપી અમિત પાઠક, સીઓ અમરેશ સિંહ, પોલીસ કર્મચારી સંજય રાય અને તેના દીકરા વિવેક રાય, પૂર્વ આઈજી સહિતના લોકો ઉપર પણ શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. એમાં એક નામ પીડિતાએ અમિતાભ ઠાકુરનું પણ લીધું હતું.અમિતાભ ઠાકુર સામે તે પહેલાંથી જ એસઆઈટીની તપાસ શરૃ કરવામાં આવી હતી. અમિતાભ ઠાકુરને ગયા વર્ષે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેની સામે નોકરી દરમિયાન સરકારની સામે પડવાના આરોપો લાગ્યા હતા અને સરકારે સત્તાનો દુરુપયોગ કર્યાનો આરોપ લગાવીને અમિતાભ સામે કાર્યવાહી કરી હતી.


