કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો..., કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
India-Pakistan conflict: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આજે જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારબાદ સરકારે વધુ તૈયારીઓ દાખવવાની શરૂ કરી દીધી છે. આ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાકિસ્તાન અને નેપાળથી જોડાયેલા 10 રાજ્યોમાં અને કેન્દ્રી શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ વડાઓની સાથે એક હાઈ લેવલ બેઠક કરી.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીડી સામેલ થયા. આ સિવાય જમ્મુ કાશ્મીર અને લદાખના ઉપરાજ્યપાલ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક ભારત તરફથી કરાયેલા 'ઓપરેશન સિંદૂર' બાદ થઈ, જેમાં ભારતીય સેનાએ બોર્ડર પાર 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો.
હુમલાને લઈને શું કહ્યું?
બેઠક દરમિયાન અમિત શાહે કહ્યું કે આ હુમલાઓમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના તાલીમ શિબિરો, શસ્ત્ર ડેપો અને ઠેકાણા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ કાર્યવાહી મોદી સરકારની આતંકવાદ પ્રત્યે 'ઝીરો ટોલરન્સ પોલિસી'નું ઉદાહરણ છે અને આ હુમલો ભારતની સરહદો, સેના અને નાગરિકોને પડકારનારાઓને યોગ્ય જવાબ છે. 22 એપ્રિલના રોજ પહલગામ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વચન પૂર્ણ થયું છે.
આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો આદેશ
અમિત શાહે રાજ્યોને સતર્ક રહેવા અને હોસ્પિટલો, ફાયર બ્રિગેડ અને આવશ્યક ચીજવસ્તુઓ જેવી આવશ્યક સેવાઓના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું હતું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ્સ, NCC વગેરેને સતર્ક રાખવા જોઈએ. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફેલાતા 'રાષ્ટ્ર વિરોધી પ્રચાર' પર નજર રાખવા અને અફવાઓ ફેલાતી અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવવાની વાત કરી. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર, સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સંકલન વધારવું જોઈએ અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવી જોઈએ.