તણાવ વચ્ચે UNSCમાં પાકિસ્તાન બન્યું અધ્યક્ષ, ભારતની ચિંતા વધી, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Begins UNSC Presidency: ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાન યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું અધ્યક્ષ બન્યું છે. 1 જુલાઈ, 2025થી આગામી બે વર્ષ માટે પાકિસ્તાન યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલનું નેતૃત્વ કરશે. જાન્યુઆરી, 2025માં જ પાકિસ્તાનની સિક્યોરિટી કાઉન્સિલના ટેમ્પરરી મેમ્બર તરીકે પસંદગી થઈ હતી. તેને 193માંથી 182 મત મળ્યા હતાં. તમને જણાવી દઈએ કે, સિક્યોરિટી કાઉન્સિલના અધ્યક્ષનું પદ માસિક ધઓરણે 15 સભ્યો વચ્ચે બદલાતું રહે છે.
પાકિસ્તાનના રાજદૂત આસિમ ઈફ્તિખાર અહમદે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, પાકિસ્તાનની લીડરશીપ પારદર્શી, સમાવેશી અને ઉત્તરદાયી રહેશે. જુલાઈમાં અમે વૈશ્વિક મુદ્દાઓ પર બેઠકોનું નેતૃત્વ કરીશું. જટિલ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, વિશ્વમાં વધતી અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષા માટે જોખમો, સંઘર્ષો અને માનવીય સંકટો દૂર કરવા મામલે અમને સંપૂર્ણ જાણકારી છે. અમે તે મામલે ધ્યાન આપીશું.
બે ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો યોજશે
જુલાઈમાં પ્રમુખ પદ સંભાળ્યા બાદ પાકિસ્તાન બહુપક્ષીયતા અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ અને યુએન-ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (OIC) સહયોગ પર બે ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોનું આયોજન કરશે. અહમદે જણાવ્યું હતું કે, આ થીમ્સ બહુપક્ષીયતા, નિવારક વ્યૂહનીતિ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક સંગઠનો સાથે સહયોગ જેવી સહિયારી પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે. વધુમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને આફ્રિકા, યુરોપ, એશિયા અને લેટિન અમેરિકામાં વિકાસ સહિત મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
અગાઉ પણ રહી ચૂક્યું સભ્ય
રાજદૂત ઇફ્તિખાર યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા હતાં. તેમણે જુલાઈમાં સિક્યોરિટી કાઉન્સિલની કાર્ય યોજના વિશે માહિતી આપી હતી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, એક દેશ તરીકે જે સતત સંવાદ અને વ્યૂહનીતિની હિમાયત કરે છે, પાકિસ્તાન સિક્યોરિટી કાઉન્સિલના કામમાં સિદ્ધાંતવાદી અને સંતુલિત અભિગમ લાવશે. યુનાઈટેડ નેશન્સના શાંતિ પ્રયાસોમાં પાકિસ્તાનનું યોગદાન મહત્ત્વનું રહેશે. ઉલ્લેખનીય છે, અગાઉ પણ પાકિસ્તાન 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69 અને 1952-53માં UNSCનો અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે.
ભારત માટે જોખમ?
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ઊંડા ઘા આપ્યા છે. હવે તે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલનો અધ્યક્ષ બનીને આનો બદલો લઈ શકે છે. એવી આશંકા છે કે આ મહિના દરમિયાન, પાકિસ્તાન ભારત વિરુદ્ધ એક બેઠક કરવાનો પ્રયાસ કરી શકે છે. UNSCનું પ્રમુખપદ મેળવ્યા પછી, તે ભારત વિરુદ્ધ જૂઠું બોલીને લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, ભારત પણ યોગ્ય જવાબ કેવી રીતે આપવો તે જાણે છે અને સમય સમય પર તેનો ખુલાસો કરતું રહે છે.









