વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની 'તાળાબંધી'

- 2020થી વર્તમાન વર્ષ સુધીના આંકડા કેન્દ્રએ સંસદમાં રજુ કર્યા
- વર્ષ 2022-23માં સૌથી વધુ 83,452 કંપનીઓને બંધ થઇ, આ વર્ષે જ જુલાઇ સુધીમાં આઠ હજારથી વધુ કંપનીઓને તાળા લાગ્યા
- કંપનીઓએ સ્વેચ્છાએ બંધ કરવાનો નિર્ણય લીધો, કોઇ આર્થિક કારણો જવાબદાર નથી : સરકારનો બચાવ
2 Lakh Company Closed In last 5 Years : બેરોજગારીનો મુદ્દો ચર્ચામાં છે એવામાં છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં બે લાખથી વધુ પ્રાઇવેટ કંપનીઓ બંધ થઇ ગઇ છે. આ ખુલાસો ખુદ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ લોકસભાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 204268 કંપનીઓ બંધ થઇ ગઇ છે. સૌથી વધુ કંપનીઓ વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન બંધ થઇ ગઇ હતી. જ્યારે જે પણ કુલ કંપનીઓ નોંધાયેલી છે તેમાંથી પણ માત્ર 65 ટકા જેટલી જ સક્રિય સ્થિતિમાં છે.
કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ લોકસભામાં લેખિતમાં આ આંકડા રજુ કર્યા હતા. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે કેટલી કંપનીઓ બંધ થઇ તેની આંકડાકીય માહિતી આપી હતી. સંસદમાં રજુ થયેલા આ આંકડા મુજબ વર્ષ 2020-21માં 15216 કંપનીઓ બંધ થઇ ગઇ હતી જ્યારે તે પછીના વર્ષ 2021-22માં 64054 કંપનીઓ બંધ થઇ ગઇ. સૌથી વધુ 83452 કંપનીઓ વર્ષ 2022-23 દરમિયાન બંધ થઇ ગઇ હતી. તે પછી વર્ષ 2023-24માં આ આંકડો 21181 એ પહોંચ્યો હતો. આ તમામ આંકડાને જોડીએ તો પાંચ વર્ષમાં કુલ 2.04 લાખ કંપનીઓ બંધ થઇ ગઇ.
જોકે સરકારે દાવો કર્યો હતો કે આ કંપનીઓ બંધ થવા પાછળનું કારણ કોઇ આર્થિક સંકટ નથી, કંપનીઓએ ખૂદ કહ્યું છે કે તે બિઝનેસ કરવા નથી માગતી. કેટલીક કંપનીઓ નિષ્ક્રિય રહી જેને કારણે લિસ્ટમાંથી હટાવી દેવાઇ જ્યારે કેટલીક કંપનીઓ મર્જર થઇ ગઇ કે વિલય થઇ ગયો. વર્તમાન નાણાકીય વર્ષમાં 16 જુલાઇ સુધી 8648 કંપનીઓ બંધ કરી દેવાઇ હતી. શું આ બંધ થયેલી કંપનીઓના કર્મચારીઓનો પુનર્વાસ કરાયો કે કેમ તેવા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સરકારને આવો કોઇ પ્રસ્તાવ નથી મળ્યો.
આ પહેલા આ વર્ષે જ જાન્યુઆરી મહિના સુધીના આંકડા સામે આવ્યા હતા જે મુજબ દેશમાં 31 મી જાન્યુઆરી 2025 સુધીમાં દેશભરમાં નોંધાયેલી કુલ કંપનીઓનો આંકડો 28 લાખથી પણ વધુ હતો જેમાંથી માત્ર 65 ટકા એટલે કે 18 લાખ જેટલી કંપનીઓ જ સક્રિય ભૂમિકામાં હતી. આ કંપનીઓમાં વિદેશી કંપનીઓની સંખ્યા માત્ર 5216 છે જેમાંથી માત્ર 63 ટકા એટલે કે 3218 વિદેશી કંપનીઓ જ સક્રિય છે. આ આંકડા પણ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયા હતા. અત્યાર સુધીમાં 9.45 લાખથી વધુ કંપનીઓ બંધ થઇ ગઇ છે. જે પણ કંપનીઓ સક્રિય ભૂમિકામાં છે તેમાં 27 ટકા બિઝનેસ સર્વિસ, 20 ટકા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની હતી. સૌથી વધુ સક્રિય કંપનીઓ મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે.

