Get The App

ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ 1 - image


- ટ્રમ્પ સામે ગ્રીનલેન્ડની લાલ આંખ : સેંકડો લોકો રસ્તા પર

- ગ્રીનલેન્ડના પીએમના નેતૃત્વમાં નૂકમાં અમેરિકન કોન્સ્યુલેટ બહાર તેમજ ડેન્માર્કના અનેક શહેરોમાં સેંકડો લોકો રસ્તા પર

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પડાવી લેવા ખુલ્લંખુલ્લી જાહેરાત કરી દીધી છે અને તેની આ યોજનામાં સાથ નહીં આપનારા યુરોપના દેશો પર ૧૦ ટકા ટેરિફ પણ ઝિંકવાની જાહેરાત કરી છે. બીજી તરફ ટ્રમ્પની દાદાગીરી સામે શનિવારે ગ્રીનલેન્ડમાં સેંકડો લોકો સડકો પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં ગ્રીનલેન્ડ પડાવી લેવાની ટ્રમ્પની તુમાખીનો અમેરિકામાંથી જ વિરોધ થઈ રહ્યો છે. ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ અંગે ટ્રમ્પની યોજનાનો ૮૩ ટકા અમેરિકનો જ વિરોધ કરી રહ્યા છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત જણાવ્યું કે, યુરોપ સાથે 'કંઈક સમાધાન' થઈ જશે અને ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ થઈ જશે. ટ્રમ્પના આ દાવાઓ વચ્ચે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકામાં હાથ ધરાયેલા એક સરવેમાં ૮૩ ટકા અમેરિકનોએ ટ્રમ્પનો વિરોધ કર્યો છે અને માત્ર ૧૭ ટકા લોકો જ ટ્રમ્પનું સમર્થન કરી રહ્યા છે. અમેરિકાની મોટાભાગની જનતા જ નહીં રિપબ્લિકનોએ પણ ગ્રીનલેન્ડ પર કબજા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. મોટાભાગના લોકો ગ્રીનલેન્ડ પર કબજા માટે સૈન્ય કાર્યવાહીના વિરોધમાં છે. આ સરવે પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પની કૂટનીતિક મહેચ્છા છતાં તેમને આ મુદ્દા પર વ્યાપક ઘરેલુ સમર્થન નથી મળી રહ્યું.

દરમિયાન ગ્રીનલેન્ડની રાજધાની નૂકમાં હાડથીજાવતી ઠંડીમાં વડાપ્રધાન જેમ્સ-ફ્રેડરિક નીલસનની આગેવાનીમાં સેંકડો લોકોએ અમેરિકન કોન્સ્યુલેટ સુધી માર્ચ કરી હતી. ટ્રમ્પ વિરોધી દેખાવો સમયે સૂત્રોચ્ચાર કરતા લોકોએ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશો આપી દીધો કે, ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય તેના લોકો જ કરશે. આવા નારા લગાવતા લોકો એક નિર્માણ થઈ રહેલી ઈમારતની બહાર એકઠા થયા હતા, જ્યાં અમેરિકા પોતાનું કોન્સ્યુલેટ શિફટ કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલ અમેરિકાનું કોન્સ્યુલેટ લાકડાની ઈમારતમાં ચાલે છે, ત્યાં માત્ર ૪ કર્મચારીઓ જ છે.

ગ્રીનલેન્ડ મુદ્દે ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા. દેખાવકારો સિટી હોલ સ્ક્વેર બહાર એકત્ર થયા હતા અને બે કિ.મી.ની માર્ચ કાઢી અમેરિકન કોન્સ્યુલેટ તરફ કૂચ કરી હતી. ડેન્માર્કના અન્ય રાજ્યોમાં પણ દેખાવો થયા હતા. ટ્રમ્પને ખરેખરી ચિંતા એ છે કે ગ્રીનલેન્ડમાં કેટલીયે દુર્લભ ધાતુઓનો ભંડાર છે, અમેરિકા ઈચ્છતું નથી કે યુરેનિયમ સહિતની દુર્લભ ધાતુઓ ઉપર રશિયા કે ચીન કબ્જો જમાવી દે. આ ઉપરાંત ટ્રમ્પનું કહેવું છે કે રાષ્ટ્રીય સલામતી માટે ગ્રીનલેન્ડને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવી ત્યાં સૈન્ય મથકો સ્થાપવામાં આવશે.