અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર
- અમેરિકાના 25 ટકા ટેરીફનો સ્પષ્ટ ઉત્તર
- ભારત કરતાં યુરોપનો રશિયા સાથેનો વેપાર વધુ મોટો છે તો યુરોપના નાણાં યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં નથી વપરાતા : જયશંકરનો પશ્ચિમી દેશોને સવાલ
- વેપાર વાટાઘાટોમાં ભારત કોઈપણ સંજોગોમાં ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતો સાથે સમાધાન કરી શકે નહીં : જયશંકર
- વિદેશના વડાઓ સાથે મીડિયા સામે જ ચર્ચાનું ટ્રમ્પનું વલણ પારંપરિક રૂઢીવાદી વલણોથી અલગ : જયશંકર
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત પર દંડ સ્વરૂપે વધારાના ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આ ટેરિફનો અમલ ૨૭ ઑગસ્ટથી થવાનો છે ત્યારે આ પહેલાં શનિવારે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે ભારતને અમેરિકાના ટેરિફ 'ટેરરિઝમ'ની યાદીમાં બ્રાઝિલ સાથે સૌથી ઉપર રાખવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી પોતાના રાષ્ટ્રીય હિતો અને વૈશ્વિક હિતો બંને માટે કરી રહ્યું છે. અમેરિકાને ભારતમાં રિફાઈન્ડ ઓઈલ અંગે કોઈ સમસ્યા હોય તો તેણે ભારત પાસેથી ઓઈલ ના ખરીદવું જોઈએ.
ભારતે અમેરિકાના એફ-૩૫ ફાઈટર જેટ ખરીદવાની તથા વેપાર સોદામાં કૃષિ અને ડેરી સેક્ટર ખોલવાની ટ્રમ્પની માગ નકારી કાઢતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી નારાજ છે, જેને પગલે તેમણે ભારત પર ૨૫ ટકા અને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ વધારાના ૨૫ ટકા ટેરિફ નાંખ્યો છે. જયશંકરે અમેરિકાએ ભારત પર લગાવેલા વધારાના ૨૫ ટકા ટેરિફને તર્કહીન અને અયોગ્ય ગણાવ્યો હતો.
ટ્રમ્પ સરકારના અધિકારીઓ વારંવાર ભારત પર રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદીને રિફાઈન્ડ પેટ્રોલિયમ તરીકે યુરોપ અને અમેરિકાને ઊંચા ભાવે વેચીને 'નફાખોરી'નો આક્ષેપ કરી રહ્યા છે. આ મુદ્દા પર જયશંકરે કહ્યું કે, જે લોકો વેપાર સમર્થક અમેરિકન સરકાર માટે કામ કરે છે તે લોકો જ બીજા પર વેપાર કરવાનો આરોપ મૂકી રહ્યા છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી રાષ્ટ્રીય હિતો અને વૈશ્વિક હિતો માટે કરે છે. યુરોપ અને અમેરિકા ભારત પાસેથી ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલની ખરીદી કરે છે. અમેરિકાને કોઈ સમસ્યા હોય તો તેઓ ભારત પાસેથી ક્રૂડ ઓઈલ ના ખરીદે.
જયશંકરે પશ્ચિમી દેશોના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, યુરોપ રશિયા પાસેથી ભારત કરતાં ઘણો વધુ વેપાર કરે છે. આ સિવાય જે લોકો એમ કહે છે કે અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં પુતિનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ તો તેવા લોકોને હું કહેવા માગું છું કે ભારતના રશિયા સાથેના વેપાર કરતાં યુરોપનો રશિયા સાથેનો વેપાર ઘણો મોટો છે. તો શું યુરોપના નાણાં યુક્રેન યુદ્ધમાં નથી વપરાઈ રહ્યાં? અમેરિકા સાથે વેપાર વાટાઘાટો મુદ્દે જયશંકરે કહ્યું કે, અમેરિકા સાથે હજુ દ્વિપક્ષીય વેપાર માટે વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ કેટલાક મુદ્દા એવા છે, જેની સાથે ભારત કોઈ સમાધાન કરી શકે તેમ નથી. ભારતની પોતાની મર્યાદા છે. ભારત તેના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતો સાથે કોઈપણ સંજોગોમાં સમાધાન કરી શકે તેમ નથી અને ટ્રમ્પ સરકારે આ બાબત સમજવી પડશે. આ એવી બાબતો છે જેના પર અમે સમજૂતી કરી શકીએ તેમ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિની ટીકા કરતા જયશંકરે શનિવારે જણાવ્યું કે, આ પોતાની રીતે જ એક મોટું પરિવર્તન છે, જે માત્ર ભારત સુધી મર્યાદિત નથી. માત્ર ભારત જ નહીં દુનિયાના દેશો સાથે ટ્રમ્પનું વર્તન અને પોતાના દેશ સાથે પણ ડીલ કરવાની ટ્રમ્પની રીત પારંપરિક રૂઢીવાદી પદ્ધતિઓથી એકદમ અલગ છે. અમેરિકાના કોઈપણ પ્રમુખે આ રીતે સાર્વજનિકરૂપે વિદેશ નીતિ નથી ચલાવી. આ સમયે જયશંકરે ટ્રમ્પ જે રીતે અન્ય દેશોના વડાઓ સાથે મીડિયાની હાજરીમાં જ ચર્ચા કરે છે તેનો ઉલ્લેખ કર્યો હતો.