દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા
11 Year Old Dalit Boy Brutalised In Alwar: રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલીમાં માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષના દલત છોકરા સાથે ગામના દબંગ યુવકોએ મારપીટ કરી અને રસ્તા પર થૂક ચટાડ્યુ અને પગમાં પડીને માફી મંગાવી. ત્યારબાદ બાજરાના ખેતરમાં લઈ જઈને તેના કપડા ઉતારાવ્યા. પરંતુ આ દરમિયાન ત્યાં ગ્રામીણો પહોંચી ગયા. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા.
પોલીસ ફરિયાદ નોંધાઈ
આ બર્બરતાથી ડરી ગયેલો છોકરો રડતો-રડતો પોતાના પરિવાર પાસે પહોંચ્યો અને તેમને આખી ઘટના જણાવી. ત્યારબાદ પરિવારે આ મામલે ખેડલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડલી વિસ્તારના પીપલખેડાની એક મહિલાએ જણાવ્યું કે, '29 ઓગસ્ટના રોજ સાંજે 5:00 વાગ્યે મારો 11 વર્ષનો દીકરો સાયકલ પર ખેતરમાં ગયો હતો. રસ્તામાં અચાનક બાઈક પર આવેલા બે યુવાનોએ તેને બળજબરીથી રોક્યો.'
દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ
બંને યુવકો નશામાં ધૂત હતા. આરોપીઓની ઓળખ પીપલખેડાના રહેવાસી અતર સિંહ ગુર્જરનો દીકરો વિજેન્દ્ર અને દેવી મીણાના દીકરા વિકાસ તરીકે થઈ છે. છોકરાની માતાએ જણાવ્યું કે, 'આરોપીઓએ બાઈક ઊભી રાખીને મારા દીકરાને રોક્યો અને ત્યારબાદ બંનેએ તેને માર માર્યો હતો. ત્યારપછી તેઓએ જમીન પર થૂક્યુ અને ચટાડ્યુ. આ દરમિયાન તેઓએ જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો.'
આ પણ વાંચો: ટ્રમ્પને એક જ દિવસમાં બીજો ઝટકો, કોર્ટે ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે આપ્યો મોટો ચુકાદો
આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
છોકરાની માતાએ આગળ જણાવ્યું કે, 'આ પછી આરોપીઓ છરીની અણીએ મારા દીકરાને બાજરીના ખેતરમાં લઈ ગયા. જ્યાં તેઓએ તેના કપડાં ઉતારાવ્યા અને તેની સાથે કૂકર્મ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાક ગ્રામીણો ઘટનાસ્થળે પહોંચી ગયા અને આ તેમને જોઈને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.' પોલીસે જણાવ્યું કે, 'પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે. ઘટનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'