40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે
- ઓપરેશન સિંદૂર : પાકિસ્તાન પર હવે ડિપ્લોમેટિક સ્ટ્રાઈક
- થરૂર અમેરિકા, કનિમોઝી રશિયા, જયંત પાંડા યુરોપ, રવિ પ્રસાદ સાઉદી, સુપ્રિયા સુળે આફ્રિકા, સંજય ઝા જાપાન, શ્રીકાંત શિંદેની ટીમ અખાત જશે
નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો સફાયો કર્યા પછી હવે ભારત ૪૦ જેટલા સાંસદોની સર્વપક્ષીય સાત ટીમને સંયુક્ત રાષ્ટ્રના ચાર કાયમી સભ્ય દેશો સહિત દુનિયાના અન્ય દેશોમાં મોકલીને પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરશે. કેન્દ્ર સરકારે આ સાત ટીમોમાં ચારનું નેતૃત્વ એનડીએ અને ત્રણનું નેતૃત્વ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને સોંપ્યું છે. એક ટીમનું નેતૃત્વ શશિ થરૂરને સોંપાતા વિવાદ થયો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, એનડીએમાંથી ભાજપના સાંસદો રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, જદયુના સંજય ઝા, શિવસેનાના શ્રીકાંત શિંદે, વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસના શશિ થરૂર, એનસીપી (શરદ પવાર)ના સુપ્રીયા સુળે, દ્રમુકના કનીમોઝીના નેતૃત્વમાં સાત ટીમો સંયુક્ત રાષ્ટ્રના ચાર સભ્ય દેશો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ તેમજ આફ્રિકા, યુરોપ, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય-પૂર્વ એશિયામાં જશે અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની પોલ ખોલશે. જોકે, સંયુક્ત રાષ્ટ્રના પાંચમા કાયમી સભ્ય ચીનમાં કોઈ ટીમ જશે નહીં.
સરકારે જણાવ્યું કે દુનિયા સમક્ષ ભારતના રાષ્ટ્રીય હિતોને રજૂ કરવા માટે અંદાજે ૪૦ સાંસદો અને વરિષ્ઠ નેતાઓને સર્વપક્ષીય સાત ટીમમાં વિભાજિત કરાયા છે. પ્રત્યેક ટીમમાં પાંચથી સાત સાંસદો હશે. આ ટીમ ૨૨ મેએ રવાના થશે અને ૧૦ દિવસમાં પાંચથી સાત દેશોની મુલાકાત લેશે. આ ટીમ ૨૨ એપ્રિલે પહલગામમાં આતંકી હુમલા પછી ઓપરેશન સિંદૂરના પગલે આતંકવાદ મુદ્દે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ સહિતના મુદ્દાઓ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે.
સંસદીય બાબતોના મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં ટીમ અમેરિકા જશે જ્યારે જયંત પાંડા નેતૃત્વમાં ટીમ બ્રિટન અને ફ્રાન્સ સહિત પશ્ચિમ યુરોપના દેશોમાં જશે. આ ટીમમાં ઓવૈસી અને નિશિકાંત દુબેનો પણ સમાવેશ કરાયો છે. દ્રમુક સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં ટીમ રશિયાનો પ્રવાસ કરશે. ભાજપ સાંસદ રવિ પ્રસાદના નેતૃત્વમાં ટીમ સાઉદી અરબ, કુવૈત, બહરૈન અને અલ્જેરિયા જશે જ્યારે સુપ્રિયા સુળેની ટીમ ઓમાન, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને ઈજિપ્ત જશે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિદેની ટીમ અખાતના દેશો અને આફ્રિકન દેશોની મુલાકાત લેશે.
એનડીએના સાથી પક્ષ જદયુના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં એક ટીમ જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા જશે. આ ટીમમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશિદ અને મનિષ તિવારીનો સમાવેશ કરાયો છે. આ પ્રતિનિધિમંડળમાં તૃણમૂલ કોંગ્રેસના સંદીપ બંદોપાધ્યાયનો સમાવેશ કરાયો હતો, પરંતુ તેમણે સ્વાસ્થ્યના કારણોસર ટીમમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો.