મુંબઈ ટ્રેન બ્લાસ્ટના 11 આરોપી 19 વર્ષ બાદ પુરાવાના અભાવે મુક્ત, 189ના મોત થયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Local Train Blast Case: બોમ્બે હાઇકોર્ટે 11 જુલાઈ, 2006ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે આજે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા 12માંથી 11 આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. જ્યારે એક આરોપીની અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થઈ હતી. 19 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું કે, આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલાવવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે માન્ય નથી.
હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે, આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય છે, આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતાં પોલીસ અને સીબીઆઇની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે, તેઓ 19 વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી.
જપ્ત સામાનના પણ નક્કર પુરાવા નહીં
હાઇકોર્ટે આગળ કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. સુરક્ષા એજન્સીઓને પડકારતાં બચાવ પક્ષના તર્કોને ન્યાયસંગત માનવામાં આવ્યા છે. અમુક એવા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જે નક્કર નથી. કથિત આરડીએક્સ અને અન્ય સામગ્રીની જપ્તી મુદ્દે પણ સાયન્ટિફિકલી કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. સાક્ષીની જુબાની, તપાસ અને પુરાવા નક્કર નથી.
આરોપી નિર્દોષ સાબિત કરવામાં સફળ
આરોપીઓ સાબિત કરવામાં સફળ રહ્યા કે, તેમની પાસે જબરદસ્તી કબૂલાતનામું લેવામાં આવ્યું હતું. જજની પેનલે કહ્યું કે, અમે અમારા કર્તવ્યનું પાલન કર્યું છે. તે અમારી જવાબદારી હતી. વીડિયો કોન્ફરન્સ મારફત જોડાયેલા દોષિતો હાઇકોર્ટના ચુકાદા બાદ અમરાવતી, નાસિક, નાગપુર અને પૂણેની જેલમાં રડી રહ્યા હતા.
સરકારી વકીલનો નિર્ણય માર્ગદર્શક
વરિષ્ઠ વકીલ યુગ મોહિત ચૌધરી આ કેસમાં આરોપી તરફથી લડી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ ચુકાદો તે તમામ લોકો માટે આશાનું કિરણ બન્યો છે, જે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. સરકારી વકીલ રાજા ઠાકરેએ આ નિર્ણયને માર્ગદર્શક ગણાવ્યો છે.
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ
આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 11 જુલાઈ, 2006ના રોજ મુંબઈના ટ્રેનના સાત કોચમાં એક-બાદ-એક બોમ્બ બ્લાસ્ટ થયા હતાં. જેમાં 189 મુસાફરો માર્યા ગયા હતાં, અને 824 લોકો ઘાયલ થયા હતા. 11 જુલાઈના રોજ સાંજે 6.24થી 6.35 વાગ્યે એક પછી એક સાત વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ ખાર, બ્રાંદા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાયંદર રેલવે સ્ટેશન પાસે થયા હતા. જેમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે પાંચ લોકોને મૃત્યુદંડ અને સાત લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.








