નૂંહ હિંસા બાદ હરિયાણા બોર્ડરથી જોડાયેલા UP-દિલ્હીના જિલ્લાઓમાં અલર્ટ, સોશિયલ મીડિયા પર બાજ નજર
હિંસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત, ઘણા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત
એજન્સીઓએ UP-દિલ્હી પોલીસને ધાર્મિક સ્થળે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા કહ્યું
નવી દિલ્હી, તા.01 ઓગસ્ટ-2023, મંગળવાર
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ નૂંર હિંસાની અસર હરિયાણાની સીમાએ આવેલા ઉત્તર પ્રદેશ અને દિલ્હીના જિલ્લાઓ સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. છેલ્લા 18 કલાકમાં ત્રણ ઈનપુટ મોકલાયા છે, જેમાં આ રાજ્યોના જિલ્લાની પોલીસને ધાર્મિક સ્થળે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા કહેવાયું છે... એજન્સીઓએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપો પર પણ નજર રાખવા જણાવ્યું છે, કારણ કે તેનો ઉપયોગ પડોશી રાજ્યોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ડહોળવા માટે થઈ શકે છે.
હરિયાણાના અન્ય ભાગોમાં પણ હિંસા ફેલાવાની આશંકા
એજન્સીઓએ અધિકારીઓને જણાવ્યું છે કે, તેઓ સંવેદનશીલ વિસ્તારો, ખાસ કરીને હરિયાણાની સીમાએ અડીને આવેલા દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં સૈનિકો તૈનાત કરે. ગુપ્તચર એજન્સીએ હરિયાણાના અન્ય ભાગોમાં પણ હિંસા ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. એક અન્ય એલર્ટમાં જણાવાયું છે કે, ભીડને કાબુમાં મેળવવા માટે સુરક્ષા કર્મચારીઓ પાસે યોગ્ય સાધનો હોવા જરૂરી છે. સાંપ્રદાયીક સૌહાર્દ જાળવવા માટે ધાર્મિક સ્થળોએ પ્રાથના સમયે ભાષણો કરવા પણ જણાવાયું છે.
નૂંહ જિલ્લામાં કેમ શરૂ થઈ હિંસા ?
અધિકારીઓએ કહ્યું કે, હરિયાણાના નૂંહ જિલ્લામાં ભીડે વિશ્વ હિન્દૂ પરિષદની શોભાયાત્રા અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ અહીં જોરદાર પથ્થમારો શરૂ થયો અને કારો સહિત ઘણા વાહનોને પણ આગ લગાડવામાં આવી.... આ હિંસામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને ઘણા પોલીસ કર્માચરીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે પોલીસની ટીમ આ વિસ્તારમાં જઈ રહી હતી, ત્યારે 2 હોમગાર્ડોના મોત થયા અને તેમના વાહનને આગ ચાંપી દેવાઈ... હાલ હિંસાને પગેલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને ગુરુગ્રામમાં કલમ 144 લાગુ કરાઈ છે... વિશ્વ હિંદુ પરિષદની શોભાયાત્રા દરમિયાન ગૌરક્ષક પ્રમુખ મોનુ માનેસરની શંકાસ્પદ ઉપસ્થિતિના અહેવાલો ફેલાતા તણાવ શરૂ થયો અને ત્યારબાદ હિંસાઓ શરૂ થઈ ગઈ...