મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ, EDનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Al Falah University Land Scam : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક જમીન સોદામાં મોટો નાણાકીય ગોટાળો સામે આવ્યો છે. EDએ પર્દાફાશ કર્યો છે કે, મદનપુર ખાદર વિસ્તારની ખસરા નંબર 792 વાળી જમીનને નકલી દસ્તાવેજોના આધારે વેચાઈ હતી અને આખરે આ જમીન અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવદ અહેમદ સિદ્દીકી સાથે જોડાયેલા ‘તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશન’ના નામે થઈ ગઈ હતી.
મૃત લોકોના નામે જનરલ પાવર ઑફ એટર્ની
ઈડીની તપાસ મુજબ, આ જમીન વેચવા માટે ઉપયોગમાં લેવાયેલ જનરલ પાવર ઓફ એટર્ની (GPA) સંપૂર્ણપણે નકલી હતી. તપાસમાં બહાર આવ્યું કે GPA પર જે વ્યક્તિઓની સહીઓ કે અંગૂઠાના નિશાન દર્શાવાયા છે, તેમાંથી ઘણા લોકો 1972થી 1998ની વચ્ચે જ મૃત્યુ પામ્યા હતા. આ વ્યક્તિઓમાં નથુ (1972માં મૃત્યુ), હરબંસ સિંહ (1991માં મૃત્યુ), હરકેશ (1993માં મૃત્યુ), શિવ દયાલ (1998માં મૃત્યુ) અને જય રામ (1998માં મૃત્યુ)નો સમાવેશ થાય છે. આ લોકોના મૃત્યુ થઈ ગયા હોવા છતાં, GPA પર સાતમી જાન્યુઆરી-2004ની તારીખ લખવામાં આવી છે અને તેમાં દર્શાવાયું કે, આ દસ્તાવેજ મૃતક વ્યક્તિઓએ પોતે તૈયાર કર્યો હતો.
વિનોદ કુમારના નામે બનાવ્યો નકલી GPA
તમામ મૃતક વ્યક્તિઓને જનરલ પાવર ઓફ એટર્નીમાં જીવતા દર્શાવાયા હોવાનો અને તેમણે 2004માં જમીન વેચવાની મંજૂરી આપી હોવાનું દર્શાવાયું છે. આ નકલી GPA વિનોદ કુમારના નામે બનાવવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આ જ નકલી GPAના આધારે વિનોદ કુમારે જમીન આગળ વેચી દીધી હતી. જમીનના સહ-માલિકોમાં મૃત વ્યક્તિઓ પણ સામેલ હતા પણ દસ્તાવેજોમાં તેમને સહ-માલિક બતાવીને તેમનો હિસ્સો પણ વેચી દેવામાં આવ્યો હતો.
ફેક દસ્તાવેજમાં અંતિમ નામ તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશનનું
નકલી GPAના નવ વર્ષ પછી 27 જૂન-2013ના રોજ એક રજિસ્ટર્ડ સેલ ડીડ તૈયાર કરવામાં આવી છે. આ સેલ ડીડમાં જમીનની કિંમત 75 લાખ રૂપિયા દર્શાવાઈ હતી. ખરીદનાર તરીકે 'તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશન'નું નામ છે અને વેચનાર તરીકે વિનોદ કુમારે તમામ માલિકો વતી સહી કરી છે.
મૃત વ્યક્તિના નામે બનાવેલ GPA અમાન્ય
ઈડીના જણાવ્યા મુજબ, મૃત વ્યક્તિના નામે બનાવેલ GPA કાયદેસર રીતે અમાન્ય છે અને તેના પર આધારિત સેલ ડીડ પણ ગેરકાયદે ગણાય છે. ઈડીનું માનવું છે કે, છેતરપિંડી અને બનાવટી આધારે આ સોદો કરાયો છે. આ સમગ્ર કૌભાંડનો અંતિમ લાભાર્થી 'તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશન' છે, જેના નામે જમીન કરવામાં આવી છે. ઈડી હવે આ મામલે મની લોન્ડરિંગ અને છેતરપિંડી હેઠળ નકલી દસ્તાવેજો બનાવનારાઓ, GPA તૈયાર કરાવનારા દલાલો, સેલ ડીડ કરનારા લોકો અને આ સોદાનો ફાયદો ઉઠાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ








