'અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર....' અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ

Akhilesh Yadav on CM Yogi Adityanath: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઘૂસણખોરો વિશે વાત કરતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કર્યો અને તેમની તુલના 'ઘૂસણખોર' સાથે કરી. સપા પ્રમુખે કહ્યું કે, 'અમારા યુપીમાં પણ ઘૂસણખોરો હાજર છે, કારણ કે મુખ્યમંત્રી પોતે ઉત્તરાખંડના છે. અમે તો ઇચ્છીએ છીએ કે તેમને તેમના મૂળ રાજ્યમાં પાછા મોકલી દેવામાં આવે.'
અખિલેશ યાદવનો કટાક્ષ
અખિલેશ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાજપના આંકડાઓ ખોટા છે. તેમણે કહ્યું કે, 'જે લોકો પલાયનના આંકડા આપે છે, તેના પર વિશ્વાસ કરવામાં આવે તો વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈ શકે છે. સપા અધ્યક્ષે ભારપૂર્વક કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પણ ઘૂસણખોરો છે, કારણ કે મુખ્યમંત્રી પોતે ઉત્તરાખંડના છે અને તેથી અમે ઇચ્છીએ છીએ કે તેમને ઉત્તરાખંડ પાછા મોકલી દેવામાં આવે.'
અખિલેશ યાદવનો અમિત શાહના નિવેદન પર પલટવાર
સપા અધ્યક્ષે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથ માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ વિચારધારાની દૃષ્ટિએ પણ ઘૂસણખોર છે. યોગી ભાજપના સભ્ય નહોતા, પરંતુ અન્ય કોઈ પક્ષના સભ્ય હતા, એવામાં હવે સવાલ એ થાય કે આ ઘૂસણખોરોને ક્યારે હટાવવામાં આવશે.
આ નિવેદનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના દાવાનો જવાબ માનવામાં આવી રહ્યો છે, જેમાં અમિત શાહે કહ્યું હતું કે અમુક રાજકીય પક્ષો ઘૂસણખોરોને વોટ બૅન્ક માને છે અને ગુજરાત-રાજસ્થાનની સરહદો પર ઘૂસણખોરી કેમ નથી થતી, તેવો સવાલ ઉઠાવ્યો હતો.'
ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું
રામ મનોહર લોહિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે જણાવ્યું કે, 'ડૉ. રામ મનોહર લોહિયા જીવનભર અન્યાય અને બિનજવાબદારી સામે લડતા રહ્યા. આજે અમે સંકલ્પ લઈએ છીએ કે તેમના ઉઠાવેલા મુદ્દાઓ જનતા સુધી પહોંચાડીશું, તેમને જાગૃત કરીશું અને તેમના માર્ગે ચાલીને સૌ માટે આર્થિક અને સામાજિક સન્માન સુનિશ્ચિત કરીશું.
સપા અધ્યક્ષે જાતિને ચિંતાનો વિષય ગણાવતાં કહ્યું કે, 'ડૉ. લોહિયાએ જાતિને તોડીને સમાપ્ત કરવાની વાત કહી હતી. બાબા સાહેબ આંબેડકરે પણ જાતિ સંબંધિત કાયદો બનાવ્યો હોવા છતાં, આજે પણ જાતિના આધારે ભેદભાવનો સામનો કરવો પડે છે.