Get The App

બારામતીમાં અજીત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત, વિશેષ ટીમ તપાસ કરશે.

ક્રુ સંબંધિત દસ્તાવેજ, રડાર ડેટાનું રેકોર્ડિગ, સીસી ટીવી ફૂટેજનો સમાવેશ

એટીસી ટેપ રેકોર્ડિગ અને હોટલાઇન કોમ્યુનિકેશનનો પણ રેકોર્ડ જોવાશે

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
બારામતીમાં અજીત પવારનું વિમાન  દુર્ઘટના ગ્રસ્ત, વિશેષ ટીમ તપાસ કરશે. 1 - image

મુંબઇ,૨૮ જાન્યુઆરી,૨૦૨૬,બુધવાર 

બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના કદાવર નેતા અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થતા હાહાકાર મચી ગયો છે. વિમાન મુંબઇથી બારામતી જઇ રહયું હતું ત્યારે ક્રેશ લેન્ડ થયું હતું. આ વિમાન દુર્ઘટનાની તપાસ એએઆઇબીની એક વિશેષ ટીમ કરશે. આ દુર્ઘટનામાં અજીત પવાર ઉપરાંત પાયલોટ અને કો પાયલોટ સહિત પાંચ લોકોના પણ મુત્યુ થયા છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર તપાસ ટીમ વિમાનના ફલાઇટ રેકોર્ડર, ગ્રાઉન્ડ પ્રોકિસમિટી વોર્નિગ સિસ્ટમ અને  ડિજિટલ એન્જીન ઇલેકટ્રોનિક સિસ્ટમ જપ્ત કરવામાં આવશે. વિમાન સંચાલક કંપની પાસેથી વિમાનના એરફ્રેમ અને એન્જીનની લોગબુકસ, ઓન બોર્ડ ડોકયૂમેન્ટ અને પાંચ મહત્વના રેકોર્ડ નોંધવામાં આવશે.

 નાગરિક ઉડયન મહા નિદેશાલય (ડીજીસીએ) પાસેથી વિમાન અને ક્રુ સંબંધિત દસ્તાવેજ, રડાર ડેટાનું રેકોર્ડિગ, સીસી ટીવી ફૂટેજ, એટીસી ટેપ રેકોર્ડિગ અને હોટલાઇન કોમ્યુનિકેશન રેકોર્ડ પણ મેળવવામાં આવશે. તપાસ ટીમ લેયર જેટ -૪૫ વિમાનના તમામ રેકોર્ડનું વિશ્લેષણ કરશે જે એક પ્રાઇવેટ ચાર્ટડ વિમાન હતું. બોમ્બાડિયા એરોસ્પેસના નાના વિમાનનો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઉપયોગ થાય છે. આ  વિમાન બારામતી જેવા નાના એરપોર્ટ પર પણ લેન્ડ અને ટેક ઓફ થવાની ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે બારામતીમાં વિમાન લેન્ડ થવા પ્રયાસ કરી રહયું હતું ત્યારે વિઝિબિલિટી ઓછી હોવાની વિમાનચાલકે જાણ કરી હતી. જો કે પાયલોટે મેડે કોલ કર્યો ન હતો જે વિમાનમાં ઇમરજન્સીની સ્થિતિમાં કરવામાં આવતો હોય છે. વિમાનનો સંપર્ક થઇ શકયો નહી છેવટે તેમાં આગ લાગતા વિમાન ક્રેશ થયું હતું. 

કેન્દ્રીય નાગરિક ઉડયનમંત્રી રામ મોહન નાયડુએ મીડિયાને જણાવ્યું હતું કે શરુઆતના અહેવાલ અનુસાર વિઝિબિલિટી ઓછી હતી. આ ઘટના સવારે ૮.૪૮ આસપાસ બની હતી. લેંડિગ પહેલા એક ટ્રાફિક કંટ્રોલ એટીસીએ પાયલોટને પુછયું હતું કે રન વે દેખાય છે તો પાયલોટે ના પાડી હતી. એક ચક્કર લગાવ્યા પછી વિમાન ફરી લેન્ડિંગ માટે પ્રયાસ કર્યો ત્યારે પાયલોટને પુછવામાં આવ્યું હતું રન વે દેખાય છે ત્યારે હા પાડી હતી. એટીસી દ્વારા લેન્ડિંગ માટે મંજુરી આપવામાં આવી તે પછી વિમાન  દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. ૬૬ વર્ષિય અજીત પવારના અંતિમ સંસ્કાર ગુરુવારે ૨૯ જાન્યુઆરીના રોડ રાજકિય સન્માન સાથે  મત વિસ્તાર બારામતી ખાતે કરવામાં આવશે.