'તું મને નથી ઓળખતી? એક્શન લઇશ', અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ
Deputy CM Ajit Pawar Viral Audio: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું, 'હું નાયબ મુખ્યમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું? શું તમારામાં આટલી બધી હિંમત છે?' મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને DSP અંજલિ કૃષ્ણા વચ્ચે ઉગ્ર દલીલો જોઈ શકાય છે.
કરમાલાના ડીએસપી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ફોન પર બોલાચાલી
અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના સોલાપુરમાં કરમાલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અંજલિ કૃષ્ણા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે ફોન અને વીડિયો કોલ પર બોલાચાલી થઈ હતી. આઈપીએસ અધિકારી અંજલિ કૃષ્ણાએ ફોન પર નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ઓળખ્યા ન હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા અજિત પવારે અધિકારીને ઠપકો આપ્યો હતો.
ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે ડીએસપી સોલાપુર પહોંચ્યા હતા
ડીએસપી અંજલિ કૃષ્ણા રસ્તાના બાંધકામ માટે મુરુમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે સોલાપુરના કુર્દુ ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે બાચાલાચી થઈ હતી. ત્યારબાદ એનસીપીના એક કાર્યકર બાબા જગતાપે સીધો નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલિ કૃષ્ણાને આપ્યો.
આ દરમિયાન અંજલિ કૃષ્ણા નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો અવાજ ઓળખી શકી નહીં. અજિત પવારે પોતાની ઓળખ જાહેર કરી અને કાર્યવાહી રોકવા કહ્યું. તેમણે કહ્યું કે, 'મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે, હવે આ કાર્યવાહી કરવાની કોઈ જરૂર નથી.'
નાયબ મુખ્યમંત્રી અજિત પવારની વાત ન સાંભળીને IPS અધિકારીએ કહ્યું કે, 'તમારે મારા નંબર પર ફોન કરવો જોઈએ!' જેના પર અજિત પવાર ગુસ્સે થયા અને ગુસ્સામાં કહ્યું, "કામ બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું, તમારી પાસે આટલી હિંમત છે! મને તમારો નંબર આપો, હું વીડિયો કોલ કરી રહ્યો છું, તમે મને વીડિયો કોલ પર ઓળખી શકશો ને?' ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અધિકારીનો નંબર લીધો અને તેમની સાથે વીડિયો કોલ દ્વારા સીધી તેમના ફોન પર વાત કરી. વીડિયો કોલ દરમિયાન અજિત પવારે અધિકારીને કાર્યવાહી બંધ કરવા અને તહસીલદાર સાથે વાત કરવા સૂચના આપી.
31મી ઓગસ્ટની ઘટના
આ ઘટના 31મી ઓગસ્ટે બપોરની છે, જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પણ ટીકા થઈ રહી છે. આ ઘટના સમયે સ્થળ પર હાજર અને હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો કેસ નોંધવામાં આવ્યો છે.
ચોથી સપ્ટેમ્બરે સોલાપુરના માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા અધિકારી કેરળની હોવાનું કહેવાય છે, જે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટેડ હતી.