Get The App

રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક 1 - image


Ajit Pawar Plane Crash News:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ આજે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. 

Ajit Pawar Funeral LIVE

9 વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે

અજિત પવારનો પાર્થિવ દેહ હાલમાં હોસ્પિટલથી તેમના નિવાસસ્થાન કાટેવાડી ખાતે લઈ જવામાં આવશે, જ્યાંથી સવારે 9 વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે. સવારે 11 વાગ્યે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દિગ્ગજ નેતાઓની હાજરી અને કડક સુરક્ષા વ્યવસ્થા

અજિત પવારના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપીના વડા શરદ પવાર સહિત અનેક સીનિયર નેતાઓ હાજર રહેવાના છે. આ વીઆઈપી મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને બારામતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે સમર્થકો માટે મોટી એલઈડી સ્ક્રીનો મૂકવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને ફૂલોથી શણગારવામાં આવ્યો છે.

ભાવુક થયા સમર્થકો: 'અજિત દાદા અમર રહે'ના નારા

બુધવાર સાંજથી જ અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બારામતીના રસ્તાઓ પર 'અજિત દાદા અમર રહે' અને 'અજિત દાદા પાછા આવો'ના નારા ગુંજી રહ્યા છે. પરિવારના સભ્યોમાં પાર્થ પવાર અને સુપ્રિયા સુલે વહેલી સવારથી જ વિધિઓમાં જોડાયા છે. સમર્થકોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે, કારણ કે મહારાષ્ટ્રે એક અત્યંત કર્મઠ અને સક્રિય નેતા ગુમાવ્યા છે.

દુર્ઘટનાની તપાસ અને ઓળખની વિગતો

પ્લેન ક્રેશની આ કરુણ ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) હાલ આ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, ખરાબ વિઝિબિલિટીને કારણે પાયલોટને મુશ્કેલી પડી હતી. પોલીસ દ્વારા અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ અને વિમાનમાં તેમની બેસવાની ખાસ સ્થિતિ પરથી કરવામાં આવી હતી. આ ઘટનામાં પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શાંભવી પાઠક સહિત સ્ટાફના સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે.