India

તહેવાર ટાણે દેશ-વિદેશની વિમાનની મુસાફરી મોંઘી થઈ! અમદાવાદ સહિત અનેક રૂટ્સ પર ટિકિટના ભાવમાં ધરખમ વધારો, જુઓ લિસ્ટ

By GS Team
5 Oct 20264 mins read
TukuTouch Logo
દશેરા-દિવાળીની રજાઓમાં હવાઈ મુસાફરી મોંઘી બની છે. કેટલાક ડોમેસ્ટિક રૂટ પર ભાડામાં 68% સુધીનો વધારો થયો છે. જેટ ફ્યુઅલના ભાવ વધારા અને ફ્લાઈટ્સના ઓછા વિકલ્પોને કારણે એરલાઈન્સે દરો વધાર્યા છે. દિલ્હી-હૈદરાબાદ જેવા રૂટ પર સૌથી વધુ ભાવ વધારો જોવા મળ્યો છે. ઇન્ડિગોએ પણ ફ્યુઅલ સરચાર્જ ઝીંક્યો છે, જેનાથી તહેવારોમાં પ્રવાસીઓને વધુ બોજ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવાર ટાણે દેશ-વિદેશની વિમાનની મુસાફરી મોંઘી થઈ! અમદાવાદ સહિત અનેક રૂટ્સ પર ટિકિટના ભાવમાં ધરખમ વધારો, જુઓ લિસ્ટ

Flight Fare Hike : જો તમે દશેરા, દિવાળી કે વર્ષના અંતે આવતી રજાઓમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ વખતે ટિકિટ માટે તમારે ખિસ્સું વધુ હળવું કરવું પડશે. તહેવારોની સિઝનમાં દેશના કેટલાક મુખ્ય ડોમેસ્ટિક રૂટ્સ પર હવાઈ ભાડામાં ગયા વર્ષની સરખામણીએ 68 ટકા સુધીનો ધરખમ વધારો નોંધાયો છે. તહેવારો દરમિયાન મુસાફરોની વધતી માંગ, અમુક રૂટ્સ પર ફ્લાઈટ્સના ઓછા વિકલ્પો અને જેટ ફ્યુઅલ ATFના સતત વધતા ભાવને કારણે એરલાઈન્સે ટિકિટના દરોમાં મોટો વધારો કર્યો છે.

હવાઈ ટિકિટના ભાવ વધવાના મુખ્ય કારણો

  • તહેવારોની સિઝનમાં મુસાફરોની ભારે માંગ: દશેરા, દિવાળી અને નવા વર્ષની રજાઓમાં ઘર તરફ જતા કે ફરવા નીકળતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.
  • જેટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં સતત વધારો: વિમાન ઈંધણના ભાવ ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે 32.7 ટકા વધ્યા છે. 1 ઑક્ટોબરથી ઘરેલુ ATFના ભાવ આશરે 16 રૂપિયા વધીને પ્રતિ લિટર 137 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે.
  • એરલાઈન્સના સંચાલન ખર્ચમાં વૃદ્ધિ: એરલાઈન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં ફ્યુઅલનો હિસ્સો 30 થી 40 ટકા જેટલો મોટો હોય છે, જેના કારણે ઈંધણ મોંઘું થતાં સીધો બોજ ભાડા પર પડ્યો છે.
  • ફ્લાઈટના વિકલ્પોમાં ઘટાડો: ઑક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સની નિર્ધારિત સંખ્યા ગયા વર્ષ કરતાં 5 ટકા જેટલી ઘટી છે.
  • ઈન્ડિગો દ્વારા ફ્યુઅલ ચાર્જમાં વધારો: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ 6 ઑક્ટોબરથી નવી બુકિંગ પર ડોમેસ્ટિક રૂટ્સ માટે 425 થી 1,300 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ માટે 1,000 થી 10,000 રૂપિયા સુધીનો ફ્યુઅલ સરચાર્જ ઝીંક્યો છે.

જે રૂટ્સ પર ભાડામાં સૌથી વધુ વધારો થયો તેવા મુખ્ય રૂટ્સ

1 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચેની મુસાફરી માટે સરેરાશ વન-વે ભાડામાં નોંધાયેલો વધારો…

  • દિલ્હી - હૈદરાબાદ: ભાડામાં 68 ટકા સુધીનો સૌથી મોટો વધારો
  • મુંબઈ - કોલકાતા: ભાડામાં 51 ટકાનો વધારો
  • દિલ્હી - ગોવા: સરેરાશ ભાડામાં 39 ટકાનો વધારો
  • મુંબઈ - બેંગલુરુ: ટિકિટના દરમાં 37 ટકાનો વધારો

વિવિધ રૂટ્સ પર સીટ ક્ષમતામાં થયેલા ફેરફાર

તહેવારોની સિઝનમાં ભાડા વધવા પાછળ માત્ર વધતી માંગ જ એકમાત્ર કારણ નથી. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સની નિર્ધારિત સંખ્યા ગયા વર્ષની સરખામણીએ આશરે 5 ટકા ઓછી છે. જોકે, કુલ સીટ ક્ષમતામાં માત્ર 1.2 ટકાનો જ ઘટાડો નોંધાયો છે. આનો અર્થ એ થયો કે એરલાઇન્સ કેટલીક જગ્યાએ ઓછી ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે, પરંતુ મોટા વિમાનોનો ઉપયોગ કરીને ફ્લાઇટ દીઠ વધુ સીટો ઉપલબ્ધ કરાવી રહી છે. આવા સંજોગોમાં કુલ સીટોની અછત બહુ મોટી નથી, પરંતુ મુસાફરોને પોતાની પસંદગીની તારીખ અને અનુકૂળ સમય મુજબ ફ્લાઇટ્સના ઓછા વિકલ્પો મળી શકે છે.

  • અમદાવાદ - કોલકાતા: ફ્લાઈટ સીટ ક્ષમતામાં 20.9 ટકાનો ઘટાડો
  • હૈદરાબાદ - જયપુર: સીટ ક્ષમતામાં 33.1 ટકાનો મોટો ઘટાડો
  • મુંબઈ - જામનગર: આ રૂટ પર સીટની ક્ષમતા 32,452થી સીધી 1,02,520 સીટ કરાઈ
  • દિલ્હી - નવી મુંબઈ: આ રૂટ પર સીટ ક્ષમતા 8,158થી વધારીને 1,42,600 સુધી કરાઈ

આ રૂટ્સ પર ટિકિટના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા

એક ટ્રાવેલ પ્લેટફોર્મના રિપોર્ટ મુજબ, જે રૂટ્સ પર માંગ વધુ છે અને સીટો મર્યાદિત છે ત્યાં તારીખ નજીક આવતા જ ભાડામાં હજુ 15થી 20 ટકાનો વધારો થઈ શકે છે. ખાસ કરીને નીચેના રૂટ્સ પર મુસાફરોનો ધસારો સૌથી વધુ છે…..

  • દિલ્હી - મુંબઈ
  • મુંબઈ - દિલ્હી
  • દિલ્હી - બેંગલુરુ
  • મુંબઈ - બેંગલુરુ
  • મોટા મેટ્રો શહેરોથી પટના અને કોચી તરફ જતી ફ્લાઈટ્સ

વિદેશ પ્રવાસના ભાડા અને બુકિંગમાં પણ મોટો ઉછાળો

ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડા ગયા વર્ષ કરતાં 30થી 40 ટકા વધ્યા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ભાડામાં 30 થી 50 ટકાનો વધારો થયો છે. આમ છતાં ભારતીયોમાં વિદેશ ફરવા જવાની માંગ યથાવત છે:

  • હનોઈ (વિયેતનામ): બુકિંગમાં એક વર્ષમાં બમણાથી વધુનો ઉછાળો
  • બાલી: પ્રવાસ બુકિંગમાં 89 ટકાનો વધારો
  • કોલંબો: બુકિંગમાં 76 ટકાનો વધારો
  • બેંગકોક: બુકિંગમાં 74 ટકાનો વધારો
  • અબુ ધાબી: બુકિંગમાં 38 ટકાનો વધારો
  • સિંગાપોર: પ્રવાસ બુકિંગમાં 12 ટકાનો વધારો

જેટ ફ્યુઅલના વધતા ભાવે એરલાઈન્સ કંપનીઓનું વધાર્યું ટેન્શન

વિમાન ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વધી રહ્યા છે, જેની સીધી અસર હવાઈ ભાડા પર પડી રહી છે. ઓગસ્ટ મહિનામાં એટીએફના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં વધુ 6.28 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. તાજેતરમાં 1 ઑક્ટોબરથી ઘરેલુ એટીએફની કિંમતમાં આશરે 16 રૂપિયા પ્રતિ લિટરનો મોટો વધારો થતાં હવે ભાવ વધીને પ્રતિ લિટર લગભગ 137 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. એવિએશન ડેટા એજન્સી સિરિયમના આંકડા અનુસાર, ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે જેટ ફ્યુઅલના ભાવમાં કુલ 32.7 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે, જેનાથી એરલાઈન્સ કંપનીઓ પર સંચાલન ખર્ચનું ભારણ મોટા પાયે વધી ગયું છે.